PM મોદીની સભામાં બોમ્બ બ્લાસ્ટ કરનારા દોષિતોને આજીવન કેદ, પટના હાઈકોર્ટનો નિર્ણય
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/09/NC-2-Patna-High-Court.jpg)
Patna High Court Verdict: પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બ વિસ્ફોટ કરનારા ચારેય દોષિતોની સજાને પટના હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી દીધી છે. આ ચારેય દોષિતોને નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. બુધવારે 11 સપ્ટેમ્બરના કોર્ટે આ અંગે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. આ કેસમાં ચાર દોષિતોની ફાંસીની સજાને હવે 30 વર્ષની કેદમાં બદલી દેવામાં આવી છે, જ્યારે આજીવન કેદની સજા પામેલા બે લોકોની સજા યથાવત રાખવામાં આવી છે. સીરિયલ બ્લાસ્ટનો આ મામલો 27 ઓક્ટોબર 2013નો છે, જ્યારે નરેન્દ્ર મોદી પટનાના ગાંધી મેદાનમાં હુંકાર રેલીમાં જનસભાને સંબોધિત કરવા આવ્યા હતા.
નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
વાસ્તવમાં આરોપીઓએ નીચલી કોર્ટના નિર્ણયને પટના હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ, 31 ઓક્ટોબર 2013ના રોજ NIAએ કેસને પોતાના હાથમાં લીધો. કોર્ટે બુધવારે દોષિતો ઈમ્તિયાઝ આલમ, હૈદર અલી, નુમાન અંસારી અને મોજીબુલ્લાહ અંસારીની ફાંસીની સજામાં ફેરફાર કરી દીધો. આ મામલાની સુનાવણી પૂર્ણ કર્યા બાદ જસ્ટિસ આશુતોષ કુમારની ડિવિઝન ખંડપીઠે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જે આજે સંભળાવવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે 2013માં જ્યારે આ ઘટના બની ત્યારે ગાંધી મેદાનમાં ભાજપની હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટે દરમિયાન, પહેલો બોમ્બ વિસ્ફોટ પટના જંકશનના પ્લેટફોર્મ નંબર 10 પર સ્થિત સુલભ શૌચાલય પાસે થયો હતો, ત્યારબાદ ગાંધી મેદાન અને તેની આસપાસ છ સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા અને 89 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તત્કાલિન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પાસે NIA તપાસની માંગ કરી હતી.