January 22, 2025

કોંગ્રેસને UPમાં મળશે 15 બેઠક, નહીં તો ગઠબંધન પૂરૂં: અખિલેશ યાદવ

લખનૌ: લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે, પરંતુ વિપક્ષી દળ INDIAમાં બેઠકોને લઈને બધુ બરાબર નથી ચાલી રહ્યું. ગઠબંધનના સહયોગી રાષ્ટ્રીય લોકદળ (RJD)નું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ત્યારબાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ બેઠકોની વહેંચણીને લઈને ગણતરીના ગડબડ ચાલી રહી છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસને અલ્ટીમેટમ આપી દીધું છે.

મળતી માહિતી અનુસાર સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 15 બેઠકોની લિસ્ટ આપી છે. આ સાથે કહ્યું કે, આ અંતિમ સૂચી છે. જો કોંગ્રેસ આ 15 બેઠકો માટે સહમત છે તો ઉત્તરપ્રદેશમાં ઈન્ડિયા અલાઈન્સનું ગઠબંધન રહેશે. જો કોંગ્રેસ આથી વધારે બેઠકોની માંગણી કરશે તો સપાને એ સ્વીકાર્ય નહીં હોય.

અખિલેશ રાહુલ ગાંધીથી રહેશે દૂર
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસને આજે સપાને જવાબ આપવો પડશે. જો કોંગ્રેસ પોતાની સહમતી આપી શકે છે તો આવતી કાલે યોજાનારી રાહુલ ગાંધીની રેલીમાં અખિલેશ યાદવ રાયબરેલીમાં પહોંચશે. જો કોંગ્રેસ અને સપા વચ્ચે આજે સાંજ સુધીમાં સહમત નહીં થાય તો રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં અખિલેશ ભાગ નહીં લે. મહત્વનું છેકે, ઉત્તરભારતમાં ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે ચંદૌલી જિલ્લાથી શરૂ થઈ હતી. આ યાત્રામાં રાયબરેલીથી અખિલેશ યાદવ પણ જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત યાત્રા ઉત્તરપ્રદેશથી રાજસ્થાન જશે.

બેઠકને લઈને બબાલ
આ પહેલા વિપક્ષી ગઠબંધન INDIAમાં બેઠકોને લઈને અખિલેશ યાદવે કહ્યું હતું કે, બેઠકોની વહેંચણીને લઈને જે સ્તર પર વાત કરવી જોઈએ તે થઈ ચુકી છે. અને આ અંગેની જાણકારી પણ આપી દેવામાં આવી છે. આ વહેંચણી જીત અને બેઠકોના હિસાબોના આધારે કરવામાં આવી છે. કોંગ્રેસના આલાકમાન દ્વારા આ વહેંચણીને માની લેવામાં આવી છે. ત્યાર બાદ આજે ફરી અખિલેશ યાદવ બેઠકોને લઈને આક્રમક જોવા મળ્યા છે.