June 24, 2024

BJPને કાયમ આડેહાથ લેતી કોંગ્રેસે ચૂંટણી બાદ વધાર્યા પેટ્રોલનો ભાવ!

Petrol-Diesel Price hike in Karnatka: કર્ણાટકમાં સામાન્ય લોકો અને વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારે શનિવારે ઈંધણ પર છૂટક વેચાણ વેરો વધાર્યો છે. આ પછી રાજ્યમાં પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.50 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. નવા ભાવ શનિવાર બપોરથી અમલમાં આવી ગયા છે. કર્ણાટક સરકારના નાણા વિભાગના સંયુક્ત સચિવ નીતિશ કે. તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડ્યું છે.

કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે તાત્કાલિક અસરથી પેટ્રોલ માટે રાજ્ય વેચાણ દર 25.92 ટકાથી વધારીને 29.84 ટકા અને ડીઝલ માટે 14.34 ટકાથી વધારીને 18.44 ટકા કર્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, રિટેલ સેલ્સ ટેક્સમાં વધારો કર્યા પછી પેટ્રોલની કિંમત 102.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 88.94 રૂપિયા પ્રતિ લિટર છે.

આ પગલાને મોટાભાગે કોંગ્રેસ સરકારની પાંચ ગેરંટી યોજનાઓને ભંડોળ પૂરું પાડવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે. કોંગ્રેસની પાંચ ગેરંટીઓમાં શક્તિ યોજના (મહિલાઓ માટે મફત બસ મુસાફરી), ગૃહ જ્યોતિ (200 યુનિટ સુધી મફત વીજળી), ગૃહ લક્ષ્મી (મહિલાઓ માટે રોકડ પ્રોત્સાહન), અન્ના ભાગ્ય (ગરીબ પરિવારો માટે મફત રાશન) અને યુવા નિધિ (રોકડ)નો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સિદ્ધારમૈયા સરકારે કલ્યાણકારી યોજનાઓ માટે 1,20,373 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. તેમાંથી 43 ટકા (રૂ. 55,000 કરોડ) ભંડોળ પાંચ ગેરંટી યોજનાઓ માટે અલગ રાખવામાં આવ્યું હતું. ગેરંટી યોજનાઓને ભંડોળ પૂરું પાડવાનો અંદાજિત ખર્ચ રૂ. 50,000-60,000 કરોડની વચ્ચે છે.

શનિવારથી નવા ભાવ લાગુ
આદેશ જારી થયા પહેલા, બેંગલુરુમાં એક લિટર પેટ્રોલની કિંમત 99.84 રૂપિયા હતી. જે હવે વધીને 102.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. એક લિટર ડીઝલની કિંમત 85.93 રૂપિયાથી વધીને 89.43 રૂપિયા થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં, અંતરના આધારે ઇંધણના ભાવ વધુ મોંઘા થશે.

આ પણ વાંચો: રફાહમાં ઈઝરાયલ સૈનિકો પર હમાસનો ઘાતક હુમલો, વિસ્ફોટમાં 8 જવાનના મોત

કર્ણાટક સરકારનો આ નિર્ણય લોકસભા ચૂંટણીના પરિણામોના થોડા દિવસો બાદ આવ્યો છે. આમાં NDAએ કર્ણાટકમાં 28માંથી 19 બેઠકો જીતી હતી. જેમાં ભાજપે 17 અને JD(S)એ બે બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને નવ બેઠકો મળી છે. રાજ્યની આવક અને નાણાકીય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસે નાણા વિભાગ પણ છે.

ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
હિમાચલ પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં પણ ભાજપે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. ભાજપે કોંગ્રેસના સિદ્ધાંતની સરખામણી હાથીના દાંત સાથે કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કર્ણાટક રાજ્યને નાદાર કર્યા બાદ કોંગ્રેસ સરકાર હવે તેની નીતિઓ માટે ‘જજિયા’ લાદી રહી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટકની કોંગ્રેસ સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી અને સામાન્ય માણસ વિરોધી ગણાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ મોંઘવારી અંગે ફરિયાદ કરતી રહે છે પરંતુ પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરે છે. કોંગ્રેસ પર મોટો હુમલો કરતા પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમણે સુનિશ્ચિત કર્યું કે ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘણી વખત ઘટાડીને સામાન્ય લોકોને રાહત આપવામાં આવી. બીજી તરફ કોંગ્રેસ છે જે કર્ણાટકને દેવાળું ફૂંક્યા બાદ હવે તેની નીતિઓ માટે જજિયા લાદી રહી છે.