રોહિત શર્માને જાડો કહેવું કોંગ્રેસ નેતા શમાને પડ્યું ભારે… કોંગ્રેસે પોસ્ટ કરાવી ડિલિટ

Congress: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જાડો કહ્યો છે. જે બાદ બીજેપી દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપે તેને બોડી શેમિંગ ગણાવ્યું છે, જ્યારે કોંગ્રેસે શમા મોહમ્મદને આ પોસ્ટ હટાવવા માટે કહ્યું છે.

શમા મોહમ્મદે રોહિત શર્માને જાડો ગણાવતા કહ્યું હતું કે, ‘રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે. તેમજ તે ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન છે. બીજી પોસ્ટમાં તેણે કહ્યું, ‘ગાંગુલી, તેંડુલકર, દ્રવિડ, ધોની, કોહલી, કપિલ દેવ, શાસ્ત્રી જેવા પહેલાના લોકોની સરખામણીમાં તેનામાં શું છે. એક એવરેજ કેપ્ટન હોવા ઉપરાંત તે એક એવરેજ પ્લેયર પણ છે જેને ભારતના કેપ્ટન બનવાનો લહાવો મળ્યો છે.

કોંગ્રેસે શમા મોહમ્મદને પોસ્ટ હટાવવા કહ્યું
કોંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેડાએ જણાવ્યું હતું કે, ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદ દ્વારા દિગ્ગજ ક્રિકેટ ખેલાડી પર કરવામાં આવેલી ટિપ્પણી પાર્ટીના સત્તાવાર સ્ટેન્ડનું પ્રતિનિધિત્વ કરતી નથી. તેને X સંબંધિત સોશિયલ મીડિયા પર પોસ્ટ ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રમતગમતના મહાનુભાવોના યોગદાનને સર્વોચ્ચ સન્માન આપે છે અને તેમના વારસાને ઓછું આંકનાર કોઈપણ નિવેદનને સમર્થન આપતું નથી.

રોહિત શર્માને લઈને વિવાદ વધ્યો ત્યારે શમા મોહમ્મદે સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘ખેલાડીઓની ફિટનેસને લઈને આ સામાન્ય ટ્વિટ હતું. આ બોડી શેમિંગની વાત નહોતી. મને લાગ્યું કે તેનું વજન વધારે છે તેથી મેં ટ્વિટ કર્યું. મને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં બોલવાનો અધિકાર છે. મેં હમણાં જ મારા વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે મેં તેની પૂર્વ કેપ્ટન સાથે સરખામણી કરી તો તેને પણ ખોટું લેવામાં આવ્યું. મારો કહેવાનો અર્થ હતો કે વિરાટ કોહલીને જુઓ. તે તેના સાથી ખેલાડીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે. હું એમ પણ કહીશ કે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ હારી હતી ત્યારે ઘણા લોકો મોહમ્મદ શમી પર નિશાન સાધતા હતા. તે સમયે વિરાટ કોહલી શમીની સાથે ઉભો હતો.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાએ રોહિત શર્માના વજન પર કરી કોમેન્ટ… તો BJP નેતાએ કાઢી ઝાટકણી