કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાથાલાલ પટેલનું રાજીનામું
મહેસાણાઃ લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ગુજરાતમાં વિપક્ષના એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી ભગવો ધારણ કરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક કોંગ્રેસીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિજાપુરના નાથાલાલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2017 માં નાથાલાલ પટેલ કોંગ્રેસના મેન્ડેટ પર વિજાપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
કોંગ્રેસ પક્ષ લોકહિત માટે કામ કરવાના મુદ્દાથી દૂર – નાથાલાલ પટેલ
કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા નાથાલાલે કહ્યું કે, હાલમાં જે પ્રમાણે કોંગ્રેસ પક્ષ લોકહિત માટે કામ કરવાના મુદ્દાથી દૂર છે અને મોવડીમંડળના નેતાઓની નિષ્ક્રિયતાને જોતા લોકોને ન્યાય આપવો હાલ સિદ્ધ થઈ શકે એમ ન હોય હું સ્વૈછિક રીતે રાજીનામું આપી રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે, પક્ષના આગેવાનો અને કાર્યકરોએ જે રીતે મને ભૂતકાળમાં કામગીરી કરવા માટે સહયોગ આપ્યો અને વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પક્ષે મને મેન્ડેટ આપ્યું તે બદલ આભાર. આમ કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે.
ચતુરજી સાથે આજે ભાજપમાં જોડાશે
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ડૉ. ચતુરજી જવાનજી આજે અધિકૃત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છે તેવામાં તેમની સાથે જ વિજાપુર બેઠક પરથી વર્ષ 2017 માં કોંગ્રેસના મેન્ડેટ પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા નાથાલાલ પટેલ પણ ચતુરજી સાથે આજે જ ભગવો ધારણ કરશે. રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ, વિજાપુર બેઠક પરથી આ એકમાત્ર પાટીદાર આગેવાન કોંગ્રેસી હતા, જેઓ આજે ભગવો ધારણ કરી ચતુરજી સાથે જ ભાજપમાં જોડશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી ખૂબ જ પાતળી સરસાઈથી જીત મેળવી હતી. તો બીજી તરફ એકમાત્ર પાટીદાર આગેવાન હવે ભાજપમાં જોડાઈ ગયા બાદ કોંગ્રેસ આ બેઠક પરથી કોણે ચૂંટણી લડાવશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.