December 25, 2024

‘કોંગ્રેસે રાયબરેલીમાં હાર સ્વીકારી લીધી’, BJP અમિત માલવિયાના પ્રહાર

નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી હવે લોકસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ પાર્ટીએ તેમને રાજસ્થાન મારફતે રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીએ જયપુરમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં નોમિનેશન પણ ભર્યું છે. સોનિયાના ચૂંટણી ન લડવા બદલ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે કોંગ્રેસ જે સીટને પોતાનો ગઢ કહેતી હતી તેના સાંસદ સોનિયા ગાંધી સંસદના ઉપલા ગૃહમાં શિફ્ટ થઈ રહ્યા છે જે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે અમેઠી બાદ રાયબરેલીમાં પણ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. .

વધુમાં કહ્યું, “અમેઠીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે રાયબરેલીનો નંબર છે. સોનિયા ગાંધીનો રાજ્યસભામાં જવાનો નિર્ણય રાયબરેલીની હાર સ્વીકારવાનો છે. ગાંધી પરિવારે હવે તેના તમામ કહેવાતા ગઢ છોડી દીધા છે. સમાજવાદી પાર્ટી દ્વારા 11 સીટોની ઓફર કરવામાં આવી હોવા છતાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ નહીં મળે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં ભાજપ આ સીટ જીતી શકી ન હતી. આ બેઠક પરથી ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી પણ સાંસદ રહી ચૂક્યા છે. સોનિયા ગાંધી પોતે સતત પાંચ વખત આ બેઠક પરથી સાંસદ રહી ચુક્યા છે. નોંધનીય છે કે સ્વાસ્થ્યના કારણોસર સોનિયા ગાંધીએ લોકસભાની જગ્યાએ રાજ્યસભામાંથી સંસદમાં જવાનું નક્કી કર્યું છે.

રાજ્ય માટે ખુશીની વાતઃ ગેહલોત
ગેહલોતે વધુમાં કહ્યું કે, ‘મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન જ્યારે મને ચાર વખત ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે સોનિયાજીએ દુષ્કાળ રાહત કાર્યોની સમીક્ષા કરવા માટે ઘણી વખત કેટલાંક જિલ્લાઓની મુલાકાત લીધી હતી, જે રાજસ્થાનના લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. યુપીએ સરકાર દરમિયાન રાજસ્થાનમાં રિફાઇનરી, મેટ્રો જેવા મોટા પ્રોજેક્ટ્સ લાવવામાં અને કેન્દ્ર પાસેથી સહકાર મેળવવામાં સોનિયા ગાંધીને NAC અધ્યક્ષ તરીકે રાજસ્થાનના હિતોનું રક્ષણ કરવા હંમેશા ભારપૂર્વક હિમાયત કરી હતી. આજે રાજસ્થાનમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકેની તેમની જાહેરાત સમગ્ર રાજ્ય માટે ખુશીની વાત છે અને આ જાહેરાતથી તમામ જૂની યાદો ફરી તાજી થઈ ગઈ છે. નોંધનીય છે કે સોનિયા ગાંધી સિવાય કોંગ્રેસે વધુ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારના અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશના અભિષેક મનુ સંઘવી અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરના નામ સામેલ છે.

બીજી બાજુ તાજેતરમાં જ ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉપરાંત પાર્ટીએ યુપીમાંથી કુલ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી અને પાર્ટીએ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર જાહેર કર્યા હતા.