December 28, 2024

લાલ કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પાછળ બેસાડવામાં આવતા કોંગ્રેસ ભડકી

Rahul Gandhi: જ્યારે PM નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, ત્યારે આ પ્રસંગે ઘણા મહાનુભાવો પણ હાજર હતા. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, સરકારના અનેક મંત્રીઓ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા, પરંતુ કોંગ્રેસે આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને બેક સીટ મળવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે રાહુલ ગાંધીને આ રીતે બેસાડવાથી પીએમ મોદીની હતાશા દેખાઈ રહી છે. કોંગ્રેસે કહ્યું કે, રાહુલ ગાંધીને પાછળ બેસાડવુ એ દર્શાવે છે કે સરકાર લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની પરવા નથી કરતી.

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ કહ્યું કે તેનાથી રાહુલ ગાંધીને કોઈ ફરક પડતો નથી. બીજી બાજુ, સૂત્રોએ જણાવ્યું હતું કે પસંદગીના ક્રમ મુજબ તમામ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વર્ષે પેરિસ ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રિયા શ્રીનેતે એક નિવેદનમાં દાવો કર્યો, ‘નાના મનના લોકો પાસેથી મોટી વસ્તુઓની અપેક્ષા રાખવી અર્થહીન છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પાંચમી હરોળમાં બેસાડીને નરેન્દ્ર મોદીએ ચોક્કસપણે તેમની હતાશા દર્શાવી હતી, પરંતુ તેનાથી રાહુલ ગાંધીને કોઈ ફરક પડતો નથી.

સુપ્રિયા શ્રીનેતએ કહ્યું કે વિપક્ષના નેતાનો દરજ્જો કેબિનેટ મંત્રી જેવો છે, સરકારના મંત્રીઓ પ્રથમ હરોળમાં બેઠા હતા, તેથી આ નાના મનના લોકોને લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની પણ પડી નથી. તેમણે કહ્યું કે રક્ષા મંત્રાલયનું નિવેદન સરકારને ઉજાગર કરી રહ્યું છે. સુપ્રિયાએ કહ્યું, ‘સત્ય એ છે કે મોદી અને તેમના મંત્રીઓ રાહુલ ગાંધી તરફ આંખ આડા કાન કરે છે અને અસહતા અનુભવે છે. રાહુલ ગાંધી ભલે પાંચમી હરોળમાં બેસે કે પચાસમી, તેઓ જનતાના નેતા જ રહેશે. પણ તમે લોકો આવી મૂર્ખતાઓ કરવાનું ક્યારે બંધ કરશો?’

કોંગ્રેસે રક્ષા મંત્રી રાજનાથ સિંહને સવાલ પૂછ્યા
આ પહેલા કોંગ્રેસના નેતા વિવેક ટંખાએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં બેઠેલા રાહુલ ગાંધીની તસવીર શેર કરતા ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, ‘રક્ષા મંત્રાલય આટલું ઉદ્ધત વર્તન કેમ કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચોથી હરોળમાં બેઠા હતા. વિપક્ષના નેતા કોઈપણ કેબિનેટ મંત્રીથી ઉપર હોય છે. તેઓ લોકસભામાં વડાપ્રધાનની પાછળ છે.’ તેમણે કહ્યું, ‘રાજનાથ સિંહ જી, તમે રક્ષા મંત્રાલયના રાષ્ટ્રીય કાર્યક્રમોનું રાજનીતિકરણ કરવાની મંજૂરી ન આપી શકો. રાજનાથજી, તમારી પાસેથી આ અપેક્ષા નહોતી.