March 14, 2025

રાષ્ટ્રપતિ વિશે સોનિયા ગાંધીના ‘Poor Lady…’ નિવેદન માટે કોંગ્રેસે માફી માંગવી જોઈએ: નડ્ડાની માગ

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજે શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયું. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નિવેદન પર હોબાળો થયો છે. સોનિયા ગાંધીએ સંસદની બહાર રાષ્ટ્રપતિને ‘Poor Lady…’ કહ્યા. રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના સંબોધનને ‘બોરિંગ’ ગણાવ્યું હતું. ભાજપે તેના પર વળતો પ્રહાર કર્યો અને તેને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવ્યું. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

સોનિયા ગાંધીએ શું કહ્યું?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું કે, “ગરીબ મહિલા… અંત સુધીમાં રાષ્ટ્રપતિ ખૂબ જ થાકી ગયા હતા… તે ભાગ્યે જ બોલી શકતી હતી.’ ખરાબ વાત.” આ સાથે જ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણને ‘બોરિંગ’ ગણાવ્યું હતું.

કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને આદિવાસી સમુદાયની માફી માંગવી જોઈએ: નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે, હું અને દરેક બીજેપી કાર્યકર્તા સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દોની સખત નિંદા કરીએ છીએ. આવા શબ્દોનો ઇરાદાપૂર્વક ઉપયોગ કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ વર્ગના, ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી સ્વભાવને દર્શાવે છે. હું માગ કરું છું કે કોંગ્રેસ રાષ્ટ્રપતિ અને ભારતના આદિવાસી સમુદાયોની બિનશરતી માફી માગે.

આદિવાસી મહિલા પ્રમુખનું અપમાન: BJP
ભાજપે રાષ્ટ્રપતિ પર તેમની ટિપ્પણી બદલ ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે, આ ટિપ્પણી દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું અપમાન છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આ ટિપ્પણી “કોંગ્રેસની નબળી રાજનીતિ અને ચરિત્રને છતી કરે છે.”

ગૌરવ ભાટિયાએ ટ્વીટ કર્યું, “નકલી ગાંધી પરિવાર એ સહન કરી શકે નહીં કે ગાંધી પરિવારની બહારથી કોઈ ઉચ્ચ બંધારણીય હોદ્દા પર પહોંચે. આ અપમાન દરેક ભારતીયનું અપમાન છે, દરેક આદિવાસીનું અપમાન છે, દરેક સ્ત્રીનું અપમાન છે. આ દેશ આને સહન કરશે નહીં.