November 18, 2024

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતના હલવાઇઓ બનાવશે 45 ટન લાડુ

અમદાવાદ :  22 જાન્યુઆરીએ રામનગરી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભારતના લોકો આ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે દરેક વ્યક્તિ પોત-પોતાનું યોગદાન આપી રહ્યા છે અને ભારતમાંથી લોકો અયોધ્યા મંદિર માટે ભેટ આપી રહ્યાં છે. મળતી માહિતી મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતના મીઠાઈઓ 45 ટન લાડુ બનાવશે. આ લાડુઓ દેશભરના બધાજ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે. લાડુ બનાવવાની જવાબદારી ગુજરાતના પ્રખ્યાત હલવાઈઓને સોંપવામાં આવી છે. આ લાડુના સ્વાદ અને ગુણવત્તા માટે પ્રખ્યાત છે. 15મી જાન્યુઆરીથી લાડુ બનાવવાનું કામ શરૂ થશે અને 25મી જાન્યુઆરી સુધીમાં પુરુ થઇ જશે. આ લાડુઓ બોક્સમાં પેક કરીને દેશભરના ભક્તોમાં વહેંચવામાં આવશે.

પ્રસાદ તરીકે લાડુ કેમ વહેંચવામાં આવે છે?
મોટાભાગના મંદિરોમાં ભગવાનના પ્રસાદમાં લાડુ ધરવામાં આવે છે, તેનું કારણ એ છે કે લાડુ પરંપરાગત રીતે ભારતીય મીઠાઈ છે. આ કારણોસર ધાર્મિક અને સાંસ્કૃતિક સમારંભોમાં પ્રસાદ તરીકે લાડુનું વિતરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે લાડુ લોટ, ચણાનો લોટ, ઘી, ખાંડ અને સૂકામેવામાંથી બનાવવામાં આવે છે. રામ મંદિરનો આ અવસર એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે. આ પ્રસંગે લાડુ બનાવવાનો હેતુ હિંદુઓની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.

3610 કિલો વજનની અગરબત્તી વડોદરાથી રવાના થઇ
ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને ભવ્ય બનાવવા માટે સમગ્ર અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે, 3610 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી ગુજરાતના વડોદરાથી અયોધ્યાના રામ મંદિરમાં લઈ જવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ અગરબત્તી ખાસ ગુજરાતના વડોદરામાં તૈયાર કરવામાં આવી છે. આ અગરબત્તી તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. તેનું વજન 3610 કિલો ગ્રામ અને લંબાઈ 108 ફૂટ છે. આ અગરબત્તી લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને આ અગરબત્તીની ખાસિયત એ છે કે 50 કિલોમીટરના વિસ્તારમાં તેની સુગંધ ફેલાવશે.