December 23, 2024

વિરાટ કોહલીના પબ One8 Commune વિરુદ્ધ ફરિયાદ, જાણો શું થઈ ભૂલ?

બેંગલોર: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના બેંગલોર ખાતે આવેલા One8 Commune પબ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંગલોર પોલીસે આ કાર્યવાહી ક્લોઝિંગ ટાઈમના નિયમોના પાલનમાં ભંગ બદલ દાખલ કરી છે.

જાણવા મળી રહ્યું છે કે One8 Commune પબના મેનેજર વિરૂદ્ધ પબ બંધ કરવાના સમયના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. બેંગલુરુના ક્યુબોન પાર્ક પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કસ્તુરબા રોડ પર આવે One8 Commune પબ 6 જુલાઈના રોજ બંધ થવાના સમય બાદ સવારે 1:20 વાગ્યા સુધી ખુલ્લુ હતું અને ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું.

વાસ્તવમાં, નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમને એક ફરિયાદ મળી હતી કે One8 Commune પબ મોડી રાત સુધી ખુલ્લું હતું. જ્યારે પોલીસની ટીમ રાત્રે 1:20 વાગ્યે પબ પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે સમયે પણ પબ ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું જેને આધારે પબના મેનેજર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.