September 8, 2024

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અનોખી રીતે ઉજવાયો કોલેજ પ્રવેશોત્સવ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ થયા સહભાગી

સાગર ઠાકર, જુનાગઢ: શાળા પ્રવેશોત્સવ પૂરો થયો છે અને હવે કોલેજ પ્રવેશોત્સવ શરૂ થયો છે, જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં અનોખો કોલેજ પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વૃક્ષારોપણ અને બીજ વિતરણ સાથે કોલેજ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને બીજ વિતરણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું, બહાઉદ્દીન કોલેજમાં 80 ટકા વિદ્યાર્થીઓ ખેડૂત પરિવાર માંથી આવતા હોય મુળભૂત શાકભાજીના બીજનું વાવેતર કરે તેવા હેતુથી વિદ્યાર્થીઓને વિવિધ શાકભાજીના બીજનું વિતરણ કરીને કોલેજના પ્રથમ દિવસે સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ હેતુ તથા વિસરાતી જતી વનસ્પતિ, શાકભાજીના બીજનું વિતરણ કરીને આ અનોખો કોલેજ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

બહાઉદ્દીન આર્ટસ કોલેજના આચાર્ય પી વી બારસીયા, બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય આર પી ભટ્ટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા કોલેજના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકાના ટીટોડી ગામે બીજ બેંક ચલાવતા નસિત દંપત્તિ દ્વારા વિદ્યાર્થીઓને બીજ વિતરણ કરવામાં આવ્યું હતું.