January 18, 2025

કોચિંગ સેન્ટર ગેસ ચેમ્બરથી ઓછું નથી, વિદ્યાર્થીઓના મોત પર ઉપરાષ્ટ્રપતિ થયા ગુસ્સે

Delhi Coaching centers: રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત પર શોક અને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રાજ્યસભામાં કહ્યું કે વિદ્યાર્થીઓના મોત એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તમે અને હું દરરોજ જોઈએ છીએ કે અખબારના પ્રથમ પાને કોચિંગની જાહેરાત, બીજા પાને કોચિંગની જાહેરાત અને ત્રીજા પાને કોચિંગની જાહેરાત હોય છે. આના પર આટલો મોટો ખર્ચ થાય છે. આ ખર્ચ ક્યાંથી આવે છે, આ ખર્ચ તે વિદ્યાર્થીઓ પાસેથી આવે છે જેઓ તેમના સપના સાકાર કરવા માંગે છે.

વિદ્યાર્થીઓના મોત પર રાજ્યસભામાં ચર્ચા
અધિકારીઓની કથિત બેદરકારીને કારણે દિલ્હીની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના દુઃખદ મૃત્યુ પર સોમવારે રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું, “જ્યારે હું ISROમાં ગયો ત્યારે મને આશ્ચર્ય થયું. આઈઆઈટીમાંથી કોઈ નહોતું, આઈઆઈએમમાંથી કોઈ નહોતું. ગામડાની શાળાઓમાંથી ભણેલા લોકો જ હતા.

અમે મણિપુર પર ચર્ચા ઇચ્છતા હતા પરંતુ તે થયું નહીં: ખડગે
આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે નિયમ 267 હેઠળ મણિપુર પર ચર્ચા ઈચ્છીએ છીએ. પરંતુ આવું ન થયું. કોંગ્રેસના આ સ્ટેન્ડ બાદ અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે કોંગ્રેસનો અભિપ્રાય સામે આવ્યા બાદ દિલ્હીની આ ઘટના પર નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ હાલમાં સ્વીકારવામાં આવી નથી. આ પછી અધ્યક્ષે દિલ્હીમાં થયેલા અકસ્માત પર ટૂંકા ગાળાની ચર્ચાને મંજૂરી આપી.