November 19, 2024

છિંદવાડામાં ભાજપનો મોટો દાવ! કોંગ્રેસમાં મોટુ ગાબડું

1500 Congressmen Join in BJP: મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં કમલનાથને લઈને શંકાના વાદળો દૂર થવા લાગ્યા છે. કમલનાથનો ગઢ ગણાતા છિંદવાડામાં ભાજપે મોટો દાવ રમ્યો છે જેમાં ભાજપના મુખ્યમંત્રી મોહન યાદવે મુખ્ય ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે મોહન યાદવ બુધવારે છિંદવાડા પ્રવાસે પહોંચ્યા હતા. છિંદવાડામાં યોદવે સૌપ્રથમ 104 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી, ત્યારબાદ તેમણે જન આભાર યાત્રા પણ કાઢી હતી. સીએમ મોહન યાદવે પણ છિંદવાડામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ભાજપમાં સામેલ કર્યા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. જે કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હકિકતે કમલનાથના ગઢ ગણાતા છિંદવાડામાં જે નેતાઓએ ભાજપમાં એન્ટ્રી કરી છે તે કમલનાથના નજીકના ચહેરા તરીકે ગણવામાં આવતા હતા. બુધવારે ભાજપમાં સામેલ થનારાઓમાં કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ ઉજ્જવલ સિંહ ચૌહાણ, કાઉન્સિલર, સરપંચ, જિલ્લા સભ્યો સહિત કાર્યકરોના નામ છે. આ તમામ નેતાઓએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

‘શું વધુ નેતાઓ કોંગ્રેસ છોડશે?’
મુખ્યમંત્રી યાદવે છિંદવાડામાં જનસભાને પણ સંબોધી હતી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનું સ્વાગત કર્યું હતું. સીએમએ કહ્યું કે હજુ પણ ઘણા લોકો છે જેઓ થોડા કન્ફ્યુઝ છે. જો કે આગામી દિવસોમાં તેઓ પણ ભાજપમાં જોડાશે. વધુમાં યાદવે છિંદવાડા લોકસભા મતવિસ્તારમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા લોકોને અપીલ પણ કરી હતી. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે ભાગેડુઓનો સાથ છોડવાથી પાર્ટી પર કોઈ અસર નહીં થાય.

છિંદવાડામાં 1500 કાર્યકર્તાઓએ છોડી કોંગ્રેસ
છિંદવાડામાં ભાજપના જિલ્લા અધ્યક્ષે દાવો કર્યો કે અહીંયા લગભગ 1500 કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાંથી 700થી વધુ કાર્યકર્તાઓ નવા બનેલા પાંઢુર્ણા જિલ્લાના રહેવાસી છે. જે લોકો ભાજપમાં જોડાયા છે તેમાં પાંઢુર્ણા નગરપાલિકાના પ્રમુખ સંદીપ ઘાટોડે, નગરપાલિકા કાઉન્સિલર, પાંઢુર્ણા જિલ્લા જનપદ સભ્ય, 16 સરપંચ અને અન્યનો સમાવેશ થાય છે. પાંઢુર્ણામાં એક વિધાનસભા બેઠક છે જે છિંદવાડા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.

‘આ સમય છે મોદી અને ભાજપ સરકારનો’
યાદવે કહ્યું કે, અમે 163 બેઠકો (વિધાનસભા ચૂંટણીમાં) ભાજપને સત્તામાં લાવવા માટે આજે છિંદવાડામાં મધ્યપ્રદેશના લોકોનો આભાર માનવા માટે આવ્યો છું.
મુખ્યમંત્રીએ રૂ. 104 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો. મોહન યાદવે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશને વિકાસ કરતા દુનિયાની કોઈ શક્તિ રોકી શકશે નહીં. આ સમય મોદી અને ભાજપ સરકારનો છે. માત્ર મોદીના કારણે જ મધ્યપ્રદેશના 2.5 કરોડ લોકો સહિત દેશના 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છે.