December 19, 2024

ચાંદીપુરા વાયરસને લઈને CMએ બોલાવી સમીક્ષા બેઠક, અધિકારીઓને આપ્યા આદેશ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓને લઈને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠક બોલાવી હતી જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર ખાતે આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મ્યુનિસિપલ કમિશનર્સ, જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

સીએમ પટેલે રાજ્યના તમામ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવ ના કિસ્સામાં તુર્તજ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.