December 19, 2024

Rajkot TRP Game Zone અગ્નિકાંડ: CM Bhupendra Patel વહેલી સવારે લીધી ઘટનાસ્થળની મુલાકાત

રાજકોટ: રાજકોટમાં શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ લાગી હતી. જેમાં મૃત્યુઆંક વધીને 27 સુધી પહોંચી ગયો છે. આ ઘટનાને લઇને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે રાજકોટમાં પહોંચી ગયા છે અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના શનિવારે સાંજે બની હતી. મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: 5 બાળકને બચાવનારા પ્રત્યક્ષદર્શીએ કહ્યું – પહેલા માળેથી…

આ સિવાય રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.