January 18, 2025

દેવભૂમિ દ્વારકામાં આકાશી આફતનો નજારો, CMએ હવાઈ નિરીક્ષણ કર્યું

જામનગરઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયા મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ગયા હતા અને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કલેક્ટર અને એસપીએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જામનગર એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસીને તેઓ દેવભૂમિ દ્વારકામાં ગયા હતા અને ત્યાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પૂરગ્રસ્ત તમામ વિસ્તારોમાં તેમણે અવલોકન કર્યું હતું.


તેમની હવાઈ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, આકાશી આફતે કેવી રીતે સમગ્ર જિલ્લાને ઘમરોળી નાંખ્યો હશે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.