December 27, 2024

CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ

અમદાવાદ: રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કુલથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો. જેને લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે અનેક સહાય કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કુલથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો.

નમો લક્ષ્મી યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને રૂ. 50,000 સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને રૂ. 25,000 સુધીની સહાય કરવામાં આવશે. તેમજ આ પ્રસંગે, રાજ્યની વિવિધ શૈક્ષણિક યોજનાઓ હેઠળ 60,000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તરીકે રૂ. 60 કરોડની સહાયનું વિતરણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કર્યું છે.

આ સિવાય સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે, હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભારી છું કે તેમણે રાજ્ય સરકારની આ પહેલ અંગે વિશેષ શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને આ યોજનાઓને સીમાચિન્હરૂપ ગણાવી.

વધુમાં તેમણે જણાવ્યું કે, માનનીય મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે દાયકા પહેલા શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યોજનાઓ હવે લોકઅભિયાન બની ચૂકી છે. તેમના જ કંડારેલ પથ પર આગળ વધીને રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને વધુ ગુણવત્તામય અને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ છે.