CM ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકા અને ડ્રીમ સીટી પ્રોજેક્ટના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
સુરતની સતત વધી રહેલી વસતી અને ગામડાઓમાંથી સુરતમાં રોજગારી અર્થે મોટી સંખ્યામાં થઈ રહેલા સ્થળાંતરના કારણે વાહનવ્યવહાર, ટ્રાફિક, પાર્કિંગની સમસ્યા વધી રહી છે. જેથીજાહેર પરિવહન( માસ ટ્રાન્સપોર્ટેશન)ની જરૂરિયાત વધી છે. આ સમસ્યાના નિવારણ માટે તેમજ શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ, સુદ્રઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકાર, જર્મન એજન્સી GIZ, રાજ્ય સરકાર અને સુરત મનપા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. મ્યુ કમિશનર શાલિની અગ્રવાલ અને GIZ (ઈન્ડિયા)ના ડિરેક્ટર ડેનિયલ મોઝેરએ હસ્તાક્ષરિત એમ.ઓ.યુ.ની આપલે કરી હતી.
મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ફાયર રોબોટ, ડ્રોન શો અને ડ્રોનની મદદથી થતા ટાઉન પ્લાનિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું. આગની દુર્ઘટનામાં ફાયરકર્મી માટે અંદર જઈ શકવાનો કોઈ માર્ગ ન રહે વિસ્ફોટ કે આગ ગંભીર રૂપ ધારણ કરી શકે તેમ હોય ઉપરાંત કેમેરા વડે આગની આંતરિક સ્થિતિ વિષે વિઝ્યુઅલ દ્વારા સચોટ જાણકારી, દ્રશ્યો જોઈ શકાય અને બચાવકાર્યમાં વધુ સરળતા અને ઝડપ આવે એ માટે મનપાએ વસાવેલા અત્યાધુનિક ફાયર રોબોટ, ગટર લાઈનમાં ઉતરીને કામ કરતા રોબોટ, ડ્રોન શો, વગેરેનું નિદર્શન પણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું. જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રોનની મદદથી થતા ટાઉન પ્લાનિંગનો ડેમો રજૂ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા ટર્ન ટેબલ લેડર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી થતા આગ સામે બચાવકાર્યનું પણ નિદર્શન કરાયું હતું.
ઉપરાંત સુરત સુમન શાળાઓમાં અભ્યાસ સાથે AR/VR ટેકનોલોજી, ડ્રોન અને થ્રી ડી પ્રિન્ટિંગની તાલીમ અપાશે. સુરત મનપાની 18 સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સનું લોકાર્પણ કર્યું હતું. ગરીબ,મધ્યમવર્ગીય પરિવારોના 11000 બાળકોને ડ્રોન, કોડીંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી લેબ, થ્રીડી પ્રિન્ટીંગ, ડ્રોન ટેકનોલોજી તાલીમ અપાશે. જે સંદર્ભે મનપાની સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ રોબોટિક લેબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) રોબોટિક્સ, ડ્રોન, કોડીંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી લેબ, થ્રીડી પ્રિન્ટીંગ, ડ્રોન ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન, ડ્રોન એક્રોબેટિક શોનુ નિદર્શન કર્યું હતું.