December 23, 2024

રિવાઇઝ્ડ બિનખેતી પરવાનગી મામલે CMનો મહત્વનો નિર્ણય, જાણો માહિતી

ગાંધીનગરઃ રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમિયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બિનખેતી થયેલી હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમિયમ વસૂલવા પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમિયમ પ્રવર્તમાન જંત્રી દરના 30 ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે મહેસૂલ વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમિયમની રકમ વસૂલવાપાત્ર હતી પણ તે રકમ વસૂલ્યા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવે છે, તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% પ્રિમિયમની રકમ વસૂલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝ્ડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.