December 19, 2024

CM ભૂપેન્દ્ર પટેલે વરસાદ, ડેમમાં પાણી અને રોડ-રસ્તાની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ સંદર્ભે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે, ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ મુખ્યમંત્રીશ્રએ આપી હતી. આ ઉપરાંત રોડ-રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલ નુકસાન સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા મંત્રીમંડળની બેઠકમાં થઈ હતી.

નોંધનીય છે કે, રાજ્યમાં આજ સાંજના 06 વાગ્યા સુધીમાં 461.22 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે 52.23 ટકા વરસાદ છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ 75.50 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 26.71 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 31.38 ટકા, સૌરાષ્ટ્રમાં 73.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 74 તાલુકાઓમાં 500 મી.મી.થી વધુ વરસાદ વરસ્યો છે.

ફાઇલ ફોટો

ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમા રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ 4,238 નાગરિકોનું સ્થળાંતર તથા 535 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની 13 અને એસ.ડી.આર.એફ.ની 20 ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

તા. 23 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં 03, બનાસકાંઠામાં 02, કચ્છ 02, રાજકોટ 01, અને સુરત 01 એમ કુલ 09 લોકોના મૃત્યુ નોંધાયા છે. જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે. વરસાદને પગલે વીજળીના કારણે 5817 ગામડાઓ પૈકી 5796 , 11,358 ફીડર પૈકી 11,037, 5255 પોલ પૈકી 4211 અને 317 ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી 184 પૂર્વવત કરાયા છે. વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી 30ને પૂર્વવત કરાયા છે, જેમા 02 રાજ્યના માર્ગો, 23 પંચાયતના અને 5 અન્ય માર્ગો છે.

વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ 1,82,444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,36,749 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે. જેમાં રાજ્યના 206 ડેમ પૈકી 51 ડેમને હાઇ એલર્ટ પર છે. 8 ડેમને એલર્ટ અને 12 જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.