September 19, 2024

CM ભૂપેન્દ્ર પટેલનો હિતલક્ષી વધુ એક નિર્ણય, 5 લાખ કર્મચારીઓને ફાયદો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6000 કિલોમીટરની મર્યાદા આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલટીસી બ્લોક 2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે.