Gazaમાં ‘Made In India’ મિસાઈલ મળ્યાનો દાવો, વીડિયો સામે આવતા વિવાદ

આ પહેલા ભારત દ્વારા ઈઝરાયેલમાં વિસ્ફોટક મોકલવાને લઈને હોબાળો થયો હતો.
Israel Palestine Conflict: ઈઝરાયેલની સેનાએ તાજેતરમાં નુસૈરત ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત શાળા પર મિસાઈલ હુમલો કર્યો હતો. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં ઈઝરાયેલની સેનાએ ભારતમાં બનેલી મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઈલનો એક વીડિયો વાયરલ થયો છે. પેલેસ્ટાઈનના કુદસ ન્યૂઝના અહેવાલ મુજબ આ મિસાઈલના અવશેષો મળી આવ્યા છે અને તેના પર મેડ ઈન ઈન્ડિયા લખેલું છે. આનાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલે આ હુમલો 6 જૂને કર્યો હતો. આ પહેલા ભારત દ્વારા ઈઝરાયેલમાં વિસ્ફોટક મોકલવાને લઈને હોબાળો થયો હતો.
આ કથિત ભારતીય મિસાઈલના અવશેષો મળ્યા બાદ પેલેસ્ટાઈનીઓ ગુસ્સાથી લાલઘુમ છે. ગાઝાના લોકોનો દાવો છે કે સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સી નુસૈરત શરણાર્થી શિબિરને મદદ કરી રહી હતી. મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનોએ અહીં આશ્રય લીધો છે. ત્યાં જ આ સમગ્ર મામલે ઈઝરાયેલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ મિસાઈલ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. આ મિસાઈલના વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હુમલા બાદ ઈમારત ધ્વસ્ત થઈ ગઈ છે. જો આ ખરેખર મેડ ઈન ઈન્ડિયા મિસાઈલ છે તો તેનાથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો: કંગના રનૌતને પડેલા થપ્પડ પર સંજય રાઉતનો વ્યંગ્ય- કેટલાક વોટ આપે છે તો કેટલાક થપ્પડ
ભારતે ઈઝરાયેલમાં વિસ્ફોટકો મોકલ્યા?
ભારત અત્યાર સુધી ગાઝા યુદ્ધથી દૂર રહ્યું છે. એટલું જ નહીં ભારતે ખુલ્લેઆમ પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપવાની માંગ કરી છે. ત્યાં જ ઇઝરાયેલી સેનાએ વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તે ચોક્કસ હુમલાઓ કરી રહી છે અને હમાસ અને ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે. આ વીડિયો જાહેર થયા બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાઝા યુદ્ધમાં ભારતીય હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે માનવાધિકાર વિરુદ્ધ અને યુદ્ધ અપરાધ છે. અગાઉ સ્પેને ભારત દ્વારા મોકલવામાં આવેલા ટન વિસ્ફોટકોથી ભરેલા જહાજને તેના કિનારે રોકવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
"Made in India"
Reads the label on the remains of a missile dropped by Israeli warplanes at a UN shelter in Nusseirat refugee camp last night. pic.twitter.com/NOFMXr64Tp
— Quds News Network (@QudsNen) June 6, 2024
સ્પેનના વિદેશ પ્રધાન જોસ મેન્યુઅલ આલ્બેરેસે 17 મેના રોજ જણાવ્યું હતું કે, ડેનમાર્કના ઝંડા વાળું જહાજ 27 ટન વિસ્ફોટકોથી ભરેલું હતું અને તેને ભારતના ચેન્નાઈથી મોકલવામાં આવ્યું હતું. આ વિસ્ફોટક ઈઝરાયેલના હાઈફા પોર્ટ પર મોકલવામાં આવી રહ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ હમાસ સમર્થકોએ ભારત વિરુદ્ધ હુમલા શરૂ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે ભારત અને ઈઝરાયેલ વચ્ચે દાયકાઓથી સંરક્ષણ સંબંધો ખૂબ જ મજબૂત છે. કારગિલ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલના બોમ્બના કારણે જ ભારતને સફળતા મળી હતી. ભારત ઈઝરાયેલ પાસેથી અબજો ડોલરના શસ્ત્રો ખરીદે છે. હવે ઇઝરાયેલની કંપનીઓએ ભારતમાં હથિયારોનું ઉત્પાદન શરૂ કર્યું છે.