8 વર્ષ જૂના કેસમાં IPS, પોલીસ અધિકારી સહિત 19 સામે ફરિયાદ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સીઆઈડી ક્રાઇમ બોર્ડર રેન્જે કચ્છમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના રોકાણકારો, કર્મચારીઓ અને 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે FIR ફાઇલ કરી છે. પીડિતે કંપનીના માલિક સામે 2015માં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે કોર્ટે આ મામલે સુઓમોટો લઈને આરોપીઓ સામે સીઆઇડીને કેસ ફાઇલ કરવાનો આદેશ આપ્યો છે.
પીડિતે લગાવ્યા ગંભીર આરોપ
પીડિતની ફરિયાદ પ્રમાણે, પરમાનંદ શિરવાની 2011માં ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં કામ કરતા હતા. ત્યારપછી તેમણે રાજીનામું આપી દીધું હતું. કારણ કે તે નોકરી કરવા માગતા નહોતા. પરંતુ કંપનીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ડાયરેક્ટર બનાવવા માટે કહ્યું. ત્યારબાદ તેના નામે ફર્મ ખોલવા માટે અમદાવાદ આવવા માટે જણાવ્યું હતું.
આ દરમિયાન કંપનીના લોકોએ બંદૂકની અણીએ તેનું અપહરણ કરી દીધું હતું. ત્યારબાદ તેમને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પીડિત સાથે મારઝૂડ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી અને એક મહિલાએ જબરદસ્તી કાગળો પર સહી કરાવી લીધી હતી અને સંપત્તિ લખાવી લીધી હતી.
આ સિવાય ફરિયાદીની માતાએ ઘરમાંથી 20 લાખ રોકડ અને 10 લાખના સોનાના ઘરેણાં જબરદસ્તી પડાવી લીધા હતા અને મારી નાંખવાની ધમકી આપીને 10 લાખ રોકડ લઈ લીધી હતી.
હાઇકોર્ટના આદેશ સામે SCનો સ્ટે
આ પહેલાં ફરિયાદીએ વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટે 10 ઓક્ટોબર 2019ના દિવસે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આરોપી સામે સુપ્રીમકોર્ટથી સ્ટે લઈ આવ્યા હતા અને પછી 16મી જાન્યુઆરી 2024ના દિવસે સ્ટે હટાવી લીધો હતો. આ માટે 10 ઓક્ટોબર, 2019થી સુપ્રીમ કોર્ટના આદેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કચ્છ સીઆઈડી ક્રાઇમના તત્કાલિન SI એ.કે. ચૌહાણ, તત્કાલિન ડીએસપી વી.જે. ગઢવી, ડીએસપી ડી.એસ. વાઘેલા, ડીએસપી આર.ડી. દેસાઈ, તત્કાલિન એસપી જી.વી. બારોટ IPS, તત્કાલિન એસપી ભાવના પટેલ IPS સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ લોકો સામે FIR કરી
ફરિયાદી પરમાનંદ શિરવાનીના અપહરણ મામલે ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે અને પોલીસ ફરિયાદ ન લેવા મામલે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ અધિકારીઓ સામે ગંભીર કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 19 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. તેમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી, તત્કાલિન SP જી.વી. બારોટ, આઇપીએસ તત્કાલિન એસપી ભાવના પટેલ, તત્કાલિન ડીવાયએસપી વી.જે. ગઢવી, તત્કાલિન ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, તત્કાલિન ડીવાયએસપી આર.ડી. દેસાઈ, તત્કાલિન એસઆઈ એન.કે. ચૌહાણ, ભંડારી ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક અનુરાગ મુકેશ, સંજય જોશી, માનવ સંશાધન મહાપ્રબંધક બલદેવ રાવલ, સુરક્ષા પ્રભારી અમદાવાદ અમિત પટવારિકા, હિતેશ સોની, શ્રીધર મૂલચંદાણી, અનિલ દ્વિવેદી, વૈંકટ સોમાની, મહેન્દ્ર પતીરા, પવન ગૌર, શિવમ પોદ્દાર, સિક્યોરિટી આઇટી કંપની.
CID ક્રાઇમ રાજકોટ ઝોન કરશે તપાસ
આ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો અને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની તપાસ CID ક્રાઇમ રાજકોટ ઝોન કરશે. ઉલ્લેખનીય છે કે, જે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગના પોલીસ અધિકારીઓ હંમેશા વિવાદમાં સપડાયેલા રહ્યા છે અને તેમની સામે પહેલા પણ ગંભીર આરોપ લાગી ચૂક્યા છે.