અબડાસામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા, મધ્યાહન ભોજનમાં પીરસાયા અખાદ્ય ચણા
કચ્છ: અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં અખાદ્ય ચણા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. અખાદ્ય ચણા અપાતા બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે, ત્યારે બાળકોને કંઈક થઈ જાય તો જવાબદારી કોની? તેવાં ગંભીર સવાલો વાલીગણમાં ઉઠવા પામ્યા છે.
મધ્યાહન ભોજનમાં અવારનવાર અખાદ્ય ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેમ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં બાળકોને આપવામાં આવેલ ચણાનો જથ્થો અખાદ્ય નીકળ્યો છે. જેને લઈને વાલીગણમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે, જો નાના બાળકોને પીરસાતા આવા અખાદ્ય ખોરાકથી તબિયત લથડી જાય તો જવાબદારી કોની? તેવા વેધક સવાલો પુરવઠા વિભાગ સામે ઉઠવા પામ્યા છે.
અબડાસાના મોટી બાલાચોડ ગામની પ્રાથમિક શાળામાં નીકળેલ અખાદ્ય ચણાના જથ્થા મામલે ભોજન સંચાલક અને સસ્તા અનાજના દુકાનદારે અનાજનો જથ્થો ઉપરથી જ ખરાબ આવતો હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે તપાસના આદેશ આપ્યા છે. કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. હાશમીએ જણાવ્યું હતું કે બાલાચોડ ગામની પ્રાથમિક શાળામાં નીકળેલ અખાદ્ય ચણાના જથ્થા મામલે હાલ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવા મધ્યાહન ભોજન વિભાગને તાકીદ કરી છે.