પારકી છત નીચે ભણવા કેમ મજબૂર પાધરદેવીના વિદ્યાર્થીઓ? નથી કોઈ રણીધણી
દશરથસિંહ પરમાર, પંચમહાલ: સૌ ભણે સૌ આગળ વધે એવા શુભ આશય સાથે સરકાર પાયાના પ્રાથમિક શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. પરંતુ, ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની હાલત દયનીય જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાની પાધરદેવી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી પારકી છત નીચે બેસી શૌચાલય કે અન્ય સુવિધાઓ વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જોકે હવે તો મકાન માલિકે પણ સોમવાર થી પોતાના ઘરે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નહીં બેસવાનું અલ્ટીમટમ આપી દીધું છે. આવો જોઈએ આ અહેવાલમાં પાધરદેવીના વિદ્યાર્થીઓની તકલીફ અને વાલીઓની વેદના.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા પાધરદેવી ગામમાં સરકાર દ્વારા ગામના બાળકોને ગામમાં જ પાયા નું શિક્ષણ મળી રહે માટે ધોરણ એક થી પાંચ સુધીના શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે જેમાં હાલ 50 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા અગાઉ અહીં બે ઓરડા બનાવવામાં આવ્યા હતા જે દશ વર્ષ અગાઉ તદ્દન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયા હતા જેથી નવા ઓરડા માટે સ્થાનિકો એ વિવિધ સ્તરે રજુઆત કરી હતી પરંતુ ઓરડા નવીન બન્યા નહિ જેથી વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં લઈ અઢી વર્ષ અગાઉ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગામના એક નાગરિકે શાળાનું નવું મકાન બને ત્યાં પોતાનું નવું મકાન પોતે રહેવા જવા પૂર્વે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપી દીધું હતું અને ફિનિસિંગ કામ પણ પડતું મૂક્યું હતું.
બીજી તરફ શાળાનું નવું મકાન બનાવવા શિક્ષણ વિભાગને રજુઆત અને લોકસભામાં ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચરવામાં આવી હતી તેમ છતાં પરિસ્થિતિ ઠેર ની ઠેર જ રહી છે. ચૂંટણી મતદાન બહિષ્કાર ટાણે ભાજપના પદાધિકારીઓ એ ગ્રામજનોને આશ્વાસન આપી મકાનનું ભાડું ચકવવા અને ટૂંક સમયમાં નવીન ઓરડા ની કામગીરી શરૂ કરવા હૈયાધારણા આપતા સ્થાનિકોએ મતદાન કર્યુ હતું. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હાલ તો હવે મકાન માલિકને પોતાની દીકરીના લગ્ન કરવાના હોવાથી આગામી સોમવારથી વિદ્યાર્થીઓ ને પોતાના મકાનમાં નહિ બેસવા દેવા જણાવી દેવામાં આવ્યું છે. મકાન માલિક પોતે ખેડૂત હોવા ઉપરાંત પોતાના ઘરે સગા સંબંધી આવે ત્યારે ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોવાનું જણાવી રહ્યા છે.
પાધરદેવી શાળામાં વિદ્યાર્થીઓ ને આપવા માટે મધ્યાહન ભોજન આજે પણ એક કિલોમીટર દૂર આવેલી જર્જરિત શાળામાં બનાવવામાં આવેલા રસોડામાં બનાવવામાં આવે છે. અહીં થી જમવા નું બનાવી સંચાલકોને દૂર સુધી લઈ જવું પડે છે જેથી વરસાદમાં ખૂબ જ અગવડતા ભોગવવી પડે છે. વળી રસોડામાં પણ વરસાદી પાણી નો જમાવડો થાય છે અને ઝાડી ઝાખરાને કારણે સાપ અને અન્ય ઝેરી જતુંઓ અંદર આવી જતાં જોખમ વચ્ચે હાલ સંચાલક રસોઈ બનાવી રહ્યા છે.
પાધરદેવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ખાનગી મકાનમાં બેસતાં હોવાથી પીવા ના પાણી, શૌચક્રિયા અને વરસાદી માહોલમાં અવર જવર માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડે છે. ખેતરમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે ત્યારે બાળકોને મજબૂર બની એમાંથી પસાર થઈ અભ્યાસ માટે જવું પડે છે આ સર્જીત સ્થિતિની બાળ માનસ ઉપર ખૂબ જ ગંભીર અસર પડી રહી છે. જોકે મકાન માલિક પોતાના ગામના બાળકોના હિત ને ધ્યાનમાં લઈ વીજળી વપરાશનું બિલ પણ પોતે ભરી રહ્યા છે જેથી વહેલી તકે શાળાના નવીન ઓરડા બનાવવામાં આવે એવી ઉગ્ર માંગણી સાથે ગ્રામજનો આક્રોશ વ્યક્ત કરી સોમવારથી ખાનગી મકાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નહીં બેસવા દેવાનો નીર્ધાર વ્યકત કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ ક્યારે જાગશે અને છેલ્લા અઢી વર્ષ થી અન્યના મકાન માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સરકારી મકાનની છત પુરી પાડશે.