આવો કેવો વિકાસ? નર્મદા પસાર થાય છે ત્યાં જ પાણી માટે લોકોનાં તરફડિયાં
નયનેશ તડવી, છોટા ઉદેપુરઃ જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખાં મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા એક વર્ષો જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે. છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઘણાં એવા ગામડાઓ છે કે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કુંડા ગામે નોલિયાબારી ફળીયું આવેલું છે. આ ફળિયામાં 30 જેટલા ઘર આવેલા છે અને 250 જેટલા વસતિ ધરાવે છે. આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મીની ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે. ત્યારે ગામના લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે.
આ પણ વાંચોઃ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત
આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે. ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે. આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઊભા રહેવું છે. ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે. આ કૂવામાં પાણી ગંદુ પાણી હોય છે. પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નહીં. ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે. ઢોર-ઢાંખર માટે પણ અહીંયાથી પાણી ભરવું પડે છે.
આ પણ વાંચોઃ શિક્ષણ અધિકારીનો નવતર પ્રયોગ, અરજદારો માટે ઉભી કરી ઇ-લાયબ્રેરી
આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિમી દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ-સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે અને નર્મદાના નીરનાં વધામણા કરવામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે. સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે, મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે તે અહીંયા પોકળ સાબિત થાય છે. આ ગામ લોકો પાણી માટે સરકાર પાસે માગ કરી છે કે, વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે.