January 22, 2025

નસવાડીમાં પુરવઠા વિભાગનું સર્વર ધીમું, લાંબી કતારોમાં નાગરિકો હેરાન-પરેશાન

છોટા ઉદેપુરઃ જિલ્લાના નસવાડીમાં પુરવઠા વિભાગનું સર્વર ધીમી ગતિએ ચાલુ છે. તેને કારણે હવે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નાગરિકોની લાંબી કતારો લાગી છે.

સરકાર દ્વારા રેશનકાર્ડ અને આધારકાર્ડમાં ઈકેવાયસી ફરજિયાત કરવામાં આવતા નસવાડી મામલતદાર કચેરીમાં મોટી કતારો લાગી છે. નસવાડી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગનું સર્વર ધીમું ચાલતું હોવાના કારણે કાર્ડધારકોની ઈકેવાયસી કરવા માટે મોટી સંખ્યામાં લોકોને લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.

આ સર્વર ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે ગામડાઓમાંથી આવતા લોકોને આખો દિવસ બેસી રહેવું પડે છે. આ ઈકેવાયસીની કામગીરી ગ્રામ પંચાયતમાં ચાલુ કરવામાં આવી છે. પરંતુ જે રેશનકાર્ડધારકોનાં મોબાઈલ નંબર ખોટા નાખી દેવામાં આવ્યા હોય તેવા લોકોને મામલતદાર કચેરીએ ઈકેવાયસી થઈ શકે છે. જેના કારણે તાલુકાના અલગ અલગ ગામોના લોકોને મામલતદાર કચેરીએ આવવું પડે છે. તંત્ર દ્વારા વહેલી તકે આ સર્વરની કામગીરી ચાલુ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.