December 23, 2024

છોટા ઉદેપુરનું આ ગામ બન્યું વ્યસનમુક્ત, સાત વર્ષની લડતથી અનેક ફાયદા

નયનેશ તડવી, છોટા ઉદેપુરઃ જિલ્લાનું એક ગામ છેલ્લા સાત વર્ષથી વ્યસન મુક્ત બનવાની દિશામાં આગળ વધી દિવ્ય ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. કવાંટ તાલુકાના ભેખડિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી આ ગામ વ્યસનમુક્ત બનવાની દિશામાં પ્રગતિ કરતા ગામમાં ટીબી-કેન્સર જેવા જીવલેણ રોગોમાં ઘટાડો થયો છે. આ વ્યસનમુક્ત બનાવવાના નિર્ણય અન્યો માટે પ્રેરણારૂપ બન્યો છે.

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું 1500ની વસતિ ધરાવતું આદિવાસી વિસ્તારનું ભેખડિયા ગામ આજથી સાત વર્ષ પહેલાં નશાનું બંધાણી ગામ હતું. જે-તે સમયે નશાના સેવનને લઈ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. ગામમાંથી ઘણાં લોકો દારૂ અને નશાના વ્યસનમાં રૂપિયા ખર્ચી નાખતા હતા. તેને કારણે પરિવાર અને ગામમાં ઝઘડા થતા હતા.

આ પણ વાંચોઃ અમરેલીનો બ્રિજ જર્જરિત થતા 10 ગામડાં સહિત બે તાલુકાવાસીઓ પરેશાન

સાત વર્ષ પૂર્વે ગામના વડીલો અને સામાજિક સંસ્થાઓએ ગામના તમામ લોકોને ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે, ગામમાં કોઈપણ દારૂ-તાડીનો ધંધો નહીં કરે કે દારૂ-તાડીનું સેવન નહીં કરે. આ ઉપરાંત તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા, માવા-ગાંજાના સેવન પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. આ સાથે એ પણ નિર્ણય લેવાયો કે ગામમાં લગ્ન પ્રસંગમાં ડીજે કે બેન્ડ અને દારૂખાનાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

આ નિર્ણયનો ગામલોકોએ શરૂઆતમાં વિરોધ કર્યો પણ ધીમે ધીમે ગામલોકોએ નિર્ણયને વધાવી લીધો સાથોસાથ એ પણ નક્કી કરવામાં આવ્યું કે, આ નિર્ણયનો ગામનો કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરશે તો ગામ લોકો તેની સાથે સબંધ નહીં રાખે. થોડા વર્ષ બાદ વ્યસનમુક્તિના લેવાયેલા જબરજસ્ત અસર થઈ હતી. આજે સાત વર્ષ થયા અને આખું ગામ વ્યસનમુક્ત બનવાની દિશામાં આગળ વધ્યું છે. ગામની કોઈ પણ દુકાને બીડી, સિગારેટ, તમાકું કે ગુટખાનું વેચાણ કે સેવન કરવામાં આવતું નથી.

ભેખડીયા ગામના આ નિર્ણયની દેશભરમાં નોંધ લેવાતાં ભારતનું પહેલું ગામ ભેખડીયા ‘દિવ્ય ગામ’ અને ‘વ્યસનમુક્ત’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ ગામને વ્યસનમુક્ત બનાવવાના નિર્ણયને લઈને કેટલીક સામજિક સંસ્થાઓ પણ ગામની વ્હારે આવી છે. સરકારી મદદ વગર 35 જેટલાં ચેક ડેમ તળાવ બનાવી પાણીનો સંગ્રહ કરી ઉનાળુ પાક લઈને ગામના તમામ લોકો ખુશહાલ જીવન ગુજારી રહ્યા છે.

છેલ્લા સાત વર્ષથી આ ગામ વ્યસનમુક્ત બનવાની દિશામાં પ્રગતિ કરતા ગામમાં ટીબી-કેન્સર જેવા જીવલેણ રોગોમાં પણ ઘટાડો થયો છે. આ વ્યસનમુક્ત બનાવવાનો નિર્ણય અન્યો માટે પ્રેરણારૂપ બન્યો છે.