આદિવાસી સમુદાયનો અનોખો રિવાજ, અહીં થાય છે નણંદ-ભાભીના લગ્ન!
નયનેશ તડવી, છોટા ઉદેપુરઃ જિલ્લાના મધ્ય પ્રદેશ બોર્ડર સાથે જોડાયેલા આદિવાસી સમુદાયની બહુમતી ધરાવતા જિલ્લા છોટા ઉદેપુર તાલુકાના અંબાલા ગામમાં આપણને આશ્ચર્યચકિત કરી નાંખે તેવો રિવાજ ચાલે છે. આપણે જાણીએ છીએ તેમ લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને લગ્ન કરવા છોકરીને ત્યાં જતાં હોય છે, પરંતુ છોટા ઉદેપુરના અંબાલા ગામમાં વરરાજાની જગ્યાએ વરરાજાની નાની બહેન લગ્ન કરવા જાય છે.
છોટા ઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં એવો રિવાજ છે કે, ત્યાં ગામમાં કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઇ શકતો નથી કે, બહારથી કોઈ વરરાજા બની આ ગામમાં લગ્ન કરવા આવી શકતો નથી. આ ગામોમાં લગ્ન કરવા માટે વરરાજાની નાની બહેન (પરિવારની બહેન) જાન લઈને જાય છે અને જો અહીં કોઈ છોકરીનાં લગ્ન હોય તો બહાર ગામથી વરરાજા પણ આવી શકતો નથી. એટલે વરરાજાની બહેન લગ્ન કરવા આવે છે.
આ પણ વાંચોઃ સુરત લોકસભા સીટ પર ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત
આશ્ચર્ય પામાડે એવા રિવાજ પાછળનું કારણ છે કે, આ ગામના દેવ, જેમ કે સામાન્ય રીતે કુળદેવતા હોય છે તે કુંવારા છે. તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી અને તેની બહેન તેની ભાભીને લેવા જાય છે. વરરાજાએ ઘરે બેસી રહેવાનું હોય છે અને બહેન જાન લઈને જાય છે. તેના
હાથમાં તલવાર, વાંસની એક ટોપલી હોય છે. તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે. તે લઈને લગ્ન કરવાના સ્થળે જાય છે અને ત્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે. ઘરે આવીને બહેન ભાભીને ભાઈને સોંપે છે. ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પત્ની સાથે ઘર-સંસાર માણી શકે છે. મંગલ ફેરા પણ તે આ બંને દીકરીઓ જ ફરે છે.
આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ દેશદેવી મા આશાપુરાના શરણે, આશિર્વાદ લીધા
આ ગામમાં રિવાજ કયા સમયથી ચાલ્યો આવે છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે. આમ આદિવાસી સંસ્કૃતિમાં આજે પણ કેટલાંક ગામમાં પોતાના ગામના કુળદેવતા કુંવારા હોવાથી ગામનો કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી. આદિવાસીઓમાં લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ નથી હોતા. પરંતુ ત્યાં પટેલ-પૂજારા હોય છે, ગામમાં જે પરંપરાગત પૂજા-વિધિ કરતા હોય છે. લગ્નની વિધિ પણ તેઓ જ કરે છે. ગામની આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવદંપતીના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે, તેવું ગ્રામજનોનું માનવું છે.