July 2, 2024

Chhattisgarhમાં દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 લોકોનાં મોત

રાયપુરઃ છત્તીસગઢના બેમેતરા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં બેરલાની દારૂખાનાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં આઠથી 10 લોકોનાં મોત થયાના અહેવાલ છે. ડઝનેક લોકો ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બેમેતરા જિલ્લાના બેરલા બ્લોક હેઠળના બોરસી ગામમાં સ્થિત દારૂખાનાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના આજે સવારે બની હતી. દારૂખાના ફેક્ટરીમાં બ્લાસ્ટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. જેના કારણે આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

બેમેતરાના કલેક્ટરે કહ્યું કે, SDM ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Lok Sabha Election 2024: છઠ્ઠા તબક્કામાં કુલ 58 બેઠક પર મતદાન શરૂ

અત્યારે કંપનીની અંદર કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. પોલીસ પ્રશાસન આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. ગામલોકોનું કહેવું છે કે, જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ત્યાં 15થી 20 લોકો કામ કરે છે. કંપનીમાં દારૂખાનું બનાવવામાં આવ્યું હતું. બ્લાસ્ટ બાદ કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીનો કાટમાળ એટલે કે સિમેન્ટના ટુકડા દૂર સુધી પડ્યાં છે. કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચોઃ 26મીએ Remal Cyclone બાંગ્લાદેશ-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા

બેરલાના એસડીએમ પિંકી મનહરે કહ્યું કે, વહીવટી ટીમ સ્થળ પર હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ સાત લોકોને એમ્બ્યુલન્સ દ્વારા રાયપુર મોકલવામાં આવ્યા છે. તેમાંથી એકનું મોત થયું છે. છની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. SDMએ આઠ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે, બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ અમે કહી શકીશું કે કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે.