પ્રોસેસ હાઉસથી ધોરાજીના ઝાંઝમેર ગામના ભૂગર્ભજળમાં ફેલાયું કેમિકલયુક્ત ઝેરી પ્રદૂષણ
ધ્રુવ મારૂ, ધોરાજી: જેતપુર સાડી ઉદ્યોગનું પ્રદુષણ ધોરાજી તાલુકાના ખેડૂતોની જમીન પણ બંજર બનાવી નાંખી છે. ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જેતપુરના કારખાનેદાર દ્વારા અનુરાગ પ્રોસેસ નામેથી એક પ્રોસેસ હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે. આમ પ્રદુષણની ભાષામાં વાત કરીએ એક 100 સાડીના કારખાનાંનું પ્રદુષણ જેટલું પ્રદુષણ ફેલાવે એટલું પ્રદુષણ એક પ્રોસેસ હાઉસ ફેલાવતું હોય છે.
ઝાંઝમેર ગામની સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક વર્ષથી પ્રોસેસ હાઉસ ચાલુ છે. આ પ્રોસેસ હાઉસ દ્વારા વરસાદી પાણી સાથે પ્રોસેસ હાઉસનું પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે સીમતળ વિસ્તારમાં ખેડૂતોના બોર, કુવાના પાણી કેમિકલયુક્ત ઝેરી પ્રદુષિત થઈ ગયા છે. અને પાણીની પાઇપ લાઈનો પણ સડવા લાગી છે. બોર, કુવાના પાણીથી પાકને પિયત કરતા ખેતીની જમીન બિનઉપજાઉ બંજર બની ગઈ છે. અને આ પાણીને કારણે ગામમાં અસંખ્ય લોકોને ચામડીજન્ય રોગો થયા છે. ગામના સરપંચ વિપુલ બગડાએ પ્રદુષણ અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવેલ કે આ પ્રોસેસ હાઉસ જ્યારથી ગામમાં આવ્યું ત્યારથી ગામના એંસી જેટલા લોકોના કેન્સરથી મોત થયા છે અને હાલમાં વીસ જેટલા ગામવાસીઓ કૅન્સરથી પીડાઇ રહ્યા છે.
ભૂતકાળમાં આ અંગે પ્રદુષણ બોર્ડને અનેકવાર લેખિ મૌખીક ખેડૂતોએ રજુઆત કરેલ પરંતુ પ્રદુષણ બોર્ડ દ્વારા પ્રોસેસ હાઉસ સામે કંઈ પગલાં ભરવામાં આવ્યા નથી.આજે ગામના સરપંચની આગેવાની લગભગ પચાસ જેટલા ખેડૂતો જેતપુર પ્રદુષણ બોર્ડની કચેરીએ ઢોલ નગારા સાથે આવેલ. અને ગામમાં જે પ્રોસેસ હાઉસ ચાલે છે તેને સદંતર બંધ કરવાની માંગ કરી હતી. આ અંગે પ્રદુષણ બોર્ડના ઇન્ચાર્જ રીજનલ અધિકારી ચૌહાણે જણાવેલ કે, ઝાંઝમેર ગામના ખેડૂતો પ્રોસેસ હાઉસ સામે રજુઆત કરવા આવવાના હોવાની અમોને જાણ થયાની સાથે જ અમોએ અમારા અધિકારીને સ્થળ પર મોકલી પાણીના સેમ્પલ લેવડાવી લીધેલ છે. અને પ્રોસેસ હાઉસનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ કોસ્ટીક રિકવરી પ્લાન્ટ એમ બંને પ્લાન્ટ બંધ છે એટલે આ પ્રોસેસ હાઉસ ચાલતું હોય તો ગેરકાયદેસર કહેવાય. અને અમો આ પ્રોસેસ હાઉસ ત્યાંથી બંધ થઈ જાય તેવા પ્રયત્નો કરશું.