December 21, 2024

રાજકોટના હાઇ-પ્રોફાઇલ ભાસ્કર-પરેશ અપહરણ કાંડમાં 24 વર્ષે ચાર્જશીટ દાખલ કરાઇ

ઋષિ દવે, રાજકોટ: દેશના ઇતિહાસમાં સંભવત: પ્રથમ વખત રાજકોટમાં ખંડણી માટે અપહરણની ઘટનાના 24 વર્ષ બાદ ચાર્જશીટ ફ્રેમ થઈ છે અને આ કેસ છે ભાસ્કર – પરેશ અપહરણ કાંડ. આ હાઈ પ્રોફાઈલ કેસમાં 47 આરોપીઓ છે તો 154 સાક્ષીઓ છે. બંને યુવાનોને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા બંને આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા તો ત્રાસવાદી આફતાબ અંસારી અને વિશાલ માડમ જેવા આરોપીઓ પણ આ કેસમાં સંડોવાયેલા હતા. રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અને બચાવ પક્ષના વકીલ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, તારીખ 12- 11- 2000 ના રાત્રીના 3 વાગ્યે રાજકોટથી ભાસ્કર પ્રભુદાસ પારેખ અને પરેશ લીલાધર શાહનુ અપહરણ કરવામાં આવ્યું હતુ. તે સમયે ટેકનોલોજીનો યુગ ન હતો તેમ છતાં તત્કાલીન પોલીસ કમિશનર સુધીર સિંહા દ્વારા કુનેહપૂર્વક રીતે વિદેશની દુતાવાસ સાથે વાતચીત કરી હતી અને તે વખતે પોલીસ કમિશનર દ્વારા મીડિયામાં અપહરણ અંગેની કોઈપણ ખબર ન છાપવાની વિનંતી કરી હતી અને ગુન્હાના મૂળ સુધી પહોંચ્યા હતા. જે કેસમાં 14 દિવસ બાદ બંને યુવાનો અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયા હતા. દરમિયાન આજે ભાસ્કર અને પરેશની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી જેમાં બંનેએ એવું કહ્યું હતું કે કોર્ટમાં બેઠેલા આરોપીઓ માંથી કોઈને પણ મોઢા કે નામથી ઓળખતા નથી. કેસ વર્ષો જૂનો હોવાથી ડે ટુ ડે કેસ ચલાવવામાં આવશે.

રાજકોટ થી ભાસ્કર અને પરેશ નો અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જુદા જુદા જિલ્લાઓમાં ફેરવવામાં આવ્યા હતા અને ગોંધી રાખવામા આવ્યા હતા અને ભાસ્કરના પિતા પાસેથી રૂ. 20 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે બાદ ભાસ્કર અને પરેશ બંનેને અલગ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે કરેલી રેડ દરમિયાન ગુજરાતની હદ માંથી પરેશને મુક્ત કરાવવામાં આવ્યો હતો. જે દરમિયાન એન્કાઉન્ટરમાં રાજસિ હાથિયા મેરનુ મૃત્યુ નિપજ્યું હતું.

47 આરોપીઓ, 11 આરોપીઓના મોત
આ ઘટનામાં અત્યારસુધીમાં 47 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જેમાંથી 11 આરોપીના મૃત્યુ થયા છે. બાકીના આરોપીઓ પૈકી 3 આરોપીને હાજર રહેવા માટે કેસ ચાર્જ ફ્રેમ કરેલો હતો જોકે તેઓ હાજર રહ્યા ન હતા. જેથી તેઓને ભાગેડુ જાહેર કરવા માટે પ્રોસિડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના આરોપીઓનો કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 1 મુખ્ય સહિત 9 ચાર્જશીટ ફ્રેમ થયેલી છે. આ કેસ ગઇકાલે ડી. એચ. સિંઘની કોર્ટમાં બોર્ડ ઉપર આવ્યો હતો આ સાથે જ ચાર્જશીટ ફ્રેમ કરવામા આવી હતી.

આ કેસમાં ચાર્જશીટ ફ્રેમ થયાના બીજા જ દિવસે એટલે કે આજે સ્ટાર વિટનેશ ભાસ્કર અને પરેશને જુબાની માટે બોલાવવામાં આવ્યા છે. આસિફ રઝા ખા ઉપરાંત દિલ્હી અને મુંબઈની ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રાસવાદી આફતાબ અંસારીનો ભાઈ આસિફ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. દરમિયાન 10 થી વધુ આરોપીઓના મૃત્યુ નિપજતા 35 આરોપીઓ સામે ચાર્જશીટ ફ્રેમ કરવામા આવી છે. તમામ એડવોકેટસ તથા આરોપીઓને હાજર રહેવા સમન્સ આપવામા આવેલું છે. આ કેસમાં 154 સાક્ષીઓ છે અને આરોપીઓ સામે આજીવન સજાનું તહોમત છે. જોકે આજની સુનાવણી બાદ સજા સહિતનાં નિર્ણયો લેવાશે.

47 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો
અમિષ ચંદ્રકાંત બુદ્ધદેવ, આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અંસારી, રાજેન્દ્રકુમાર વ્રજલાલ ઉનડકટ, જલાલુદ્દીન ઉર્ફે રાણા ઉર્ફે રફિક મહંમદ સુલતાન, મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ, શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી, અજય ઉર્ફે તેટી ગુણુભાઈ મારૂ, બ્રિજમોહન હનુમનરાય શર્મા, વિશાલ વલ્લભ માડમ, કિશોર મહાદેવજી વેગડા. ફઝલ રહેમાન અબ્દુલ ભાસિત શેખ ઉર્ફે ફઝલુ ઉર્ફે તનવીર ઉર્ફે અલી, ઉર્ફે ડોક્ટર ઉર્ફે ચંદ્ર મંડલ, નીતિનકુમાર ઉર્ફે મોહંમદ નદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ, ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી, શેલેન્દ્ર અતરંગસિંગ જાટ, મહંમદ સીદીક સમેજા, શાંતિલાલ ડાયાભાઈ વસાવા, રાજુ ઉર્ફે રાજેશ રજલાલ ભીમજિયાણી, ઈમ્તિયાઝ નુરમામદ કારાણી, ભલાભાઈ કચરાભાઈ નારિયા. દિલીપ અમૃત પટેલ, કિનવભાઈ રમેશભાઈ ચૌધરી, રાજુ ઉર્ફે રૂપમ કાંતિભાઈ પોપટ, ભાવિન કિરીટભાઈ વ્યાસ, મહંમદ ઉર્ફે ડેનીહુસેન હાલા, આનંદભાઈ ઢેલુભાઈ માડમ, ઈરફાનભાઈ અકીલભાઈ શેખ, મનોજ હરભમભાઈ સિસોદિયા, ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લિમ, દીપકકુમાર નાગેશ્વર મંડલ, સચિન વલ્લભ માડમ, તેજસ રાણાભાઈ ડેર, દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા, મનોજભાઈ પ્રવીણભાઈ સંખાવડા, સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જંત, પ્રદીપભાઈ ઉર્ફે ડોક્ટર અનરસિંગ ડાંગર, સૂરજ પ્રકાશ ઉર્ફે રાજેશ સાહેબસિંહ, જીગ્નેશભાઈ ઉમેશભાઈ પાંઉ, મેહુલભાઈ ઉમેશભાઈ પાંઉ

પરેશ શાહે કોર્ટમાં શુ કહ્યુ?
પરેશને સરકારી વકીલે પૂછ્યું અહીં બેઠા એ આરોપીઓને મંથી કોઈને ઓળખો છો ?? ત્યારે કહ્યુ મારા અને ભાસ્કર સાથે અપહરણ ઘટના 2000 ની સાલમાં બની હતી. તે દિવસે શનિવારે રાત્રે પાર્ટી કરવા ગયેલા અને ત્યાથી પરત ફરતા હતા. કાલાવડ રોડ પર ફાર્મ હાઉસમાં ગયેલા હતા. અમે રાત્રે 3 વાગ્યે પરત આવતા હતા તે કાર હતી. પ્રથમ લિંબુડી વાળી પહોંચેલા. ત્યાં અમારી સાથેના જયેશ કાનપુરા નું બાઈક પડેલી હતી. બાદમાં એક કાર અમારો પીછો કરતી હતી તે અમારી કાર પાછલ આવેલા હતા. અમે ગેસ્ફોર્ડ ટૉકીઝ પાસે પહોંચતા ત્યાં રાજપૂત પરા છે. ત્યાં એક કારે આડી નાખી. અને અમારી કારની પાછળ પણ બીજી કાર હતી. અમારી કારને રોકવામાં આવી. આગળની કારમાંથી 6 વ્યક્તિ ઉતરેલા હતા. જેમના હાથમાં પિસ્તોલ હતી. રાત્રે 3 વાગ્યાની ઘટના હતી. અપહરણ કરી શાપર લઈ ગયાં. કોઈએ મને શુટ કરવાનું કહ્યુ. જોકે બાદમાં મને જ્યુસ જેવું પીવડાવતા 3 દિવસ બેભાન રહયો. બાદમાં દર એક બે દીવસે જગ્યા ચેન્જ કરતા હતા. બાદમાં મને અને ભાસ્કરને અલગ કરી દીધા હતા. બાદમાં રાજશી મેરનું એન્કાઉન્ટર કરી 40 પોલિસ વાળાએ મને છોડાવ્યો. અપહરણકારો હિન્દી ભાષામાં વાત કરતા હતા અને 22 થી 25 વર્ષના યુવાન હતા બચાવ પક્ષના વકીલે પૂછતા કહ્યુ કે, અપહરણ થયું ત્યા સૂધી આરોપીઓના નામ ન્હોતા જાણ્યા. પોલિસ પૂછપરછમાં પણ આરોપીનાં નામ ખબર ન્હોતા

ભાસ્કર પારેખે કોર્ટમાં શુ જુબાની આપી?
ભાસ્કર પારેખે કોઈ આરોપીએ મોઢા કે નામથી ઓળખતા હોવાનો ઇનકાર કર્યો. ત્રિકોણબાગ પાસેના યુરોપિયન જિમખાના સામેની ગલી માંથી અપહરણ થયું હતું.કારમાં બેસાડી અપહરણ કર્યુ અને પાણીમાં કોઈ કેફી પદાર્થ નાખી ડ્રીંક પીવડાવતા બેભાન થઈ ગયો. અમે જાગી એટ્લે તરત પાણીમાં કોઈ પાવડર નાખી સુવડાવી દેતા. જે બાદ જાગ્યો ત્યારે ખબર પડી હું દિલ્હી છું. મારું શા માટે અપહરણ થયું તેની મને જાણકારી નહોતી. બાદમાં આરોપીઓએ ટીકીટ આપી દિલ્હીથી મુંબઈ અને મુંબઈથી જામનગર મોકલ્યો. 15 દિવસ પછી આવ્યો બાદમાં રાજકોટ પ્રેસ કોન્ફરન્સ હતી. હિન્દી ભાષા બોલતા 4 માણસો દિલ્હી લઇ ગયા હતા. તેઓ એકબીજા ના નામો રાજેશ, ધર્મેન્દ્ર બોલતા હતા. તેમાંથી એક મારી સામે રાત્રીના સૂતો હતો આ 28 થી 35 વર્ષનાં હતા અને રંગીન કપડાં પહેરતા હતા.