December 23, 2024

મહીસાગર, અરવલ્લી અને સુરતના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Weather Update: રાજ્યમાં ઠંડીની વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. મોડાસા, શામળાજી, મેઘરજ અને અન્ય વિસ્તારમાં વાતાવરણ બદલાવને કારણે વાહન ચાલકોની વિઝિબીલીટી ઘટી ગઈ હતી. તો બીજી તરફ વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને કમોસમી વરસાદની શક્યતા અને બટાકામાં ફૂગના રોગનો ભય છે, જે રવિ પાક માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

આ સિવાય મહીસાગર જિલ્લાની વાત કરીએ તો આકાશમાં વાદળો ઘેરાયા છે અને કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર, કડાણા જેવા વિસ્તારમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ છે. જ્યારે સુરતમાં રવિવારે સવારે ગાઢ ધુમ્મસની ચાદરથી એરપોર્ટ પર વિઝિબીલીટી 200 મીટરથી ઓછી હતી. જેના કારણે 6 ફ્લાઇટો 5 કલાક સુધી મોડી પડી હતી. વિઝિબીલીટીના કારણે સવારે 6.30 વાગ્ય પછી આવનારી ઇન્ડિગોની હૈદરાબાદ અને દિલ્હી એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇ ફ્લાઇટે હવામાં 14 રાઉન્ડ માર્યા બાદ લેન્ડ થઈ. અન્ય 12 ફ્લાઇટો એક કલાક સુધી મોડી પડી હતી.

આ પણ વાંચો: બ્રાઝિલ પ્લેન ક્રેશમાં 10 લોકોના મોત, ચિમનીથી ટકરાઈ દુકાન પર પડ્યું વિમાન