June 29, 2024

એશિયા કપના શિડ્યૂલમાં બદલાવ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

Women’s Asia Cup 2024: એસીસી એ મહિલા એશિયા કપ 2024 ના શિડ્યૂલમાં ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ હવે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈની સાંજે મેચ રમાશે. બંને ટીમો શરૂઆતમાં 21 જુલાઈએ ટકરાવાની હતી. જૂના શિડ્યૂલ મુજબ પ્રથમ મેચમાં ભારતનો સામનો સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે થવાનો હતો. ત્યાં જ પાકિસ્તાને નેપાળ સામે તેના અભિયાનની શરૂઆત કરવાની હતી. ભારત અને પાકિસ્તાનની મેચ સિવાય બાકીના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ 19 જુલાઈથી 28 જુલાઈ સુધી શ્રીલંકાના દામ્બુલામાં રમાશે જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે. મહિલા એશિયા કપમાં પ્રથમ વખત આઠ ટીમો ટ્રોફી માટે પોતાનું નસીબ અજમાવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને UAEની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમી ફાઈનલ મેચ 26 જુલાઈના રોજ યોજાશે.

આ પણ વાંચો: ICC એ IND vs ENG સેમિ-ફાઇનલ મેચને લઈને કરી મોટી જાહેરાત

Women’s Asia Cup 2024નું અપડેટ કરેલ શિડ્યૂલ

જુલાઈ 19: UAE વિ નેપાળ (2:00 PM)
જુલાઈ 19: ભારત વિ પાકિસ્તાન (સાંજે 7:00 વાગ્યે)
જુલાઈ 20: મલેશિયા વિ થાઈલેન્ડ (2:00 PM)
જુલાઇ 20: શ્રીલંકા વિ બાંગ્લાદેશ (7:00 PM)
જુલાઈ 21: ભારત વિ UAE (2:00 PM)
જુલાઈ 21: પાકિસ્તાન વિ નેપાળ (7:00 PM)
જુલાઈ 22: શ્રીલંકા વિ મલેશિયા (2:00 PM)
જુલાઈ 22: બાંગ્લાદેશ વિ થાઈલેન્ડ (7:00 PM)
જુલાઈ 23: ભારત વિ નેપાળ (સાંજે 7:00 વાગ્યે)
જુલાઈ 24: બાંગ્લાદેશ વિ મલેશિયા (2:00 PM)
જુલાઈ 24: શ્રીલંકા વિ થાઈલેન્ડ (7:00 PM)
જુલાઈ 26: સેમિફાઈનલ (સાંજે 7:00)
જુલાઈ 28: ફાઈનલ (સાંજે 7:00)

7 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં હરાવ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા 28 જૂનથી એકમાત્ર ટેસ્ટમાં સામસામે ટકરાશે. ત્યાર બાદ બંને ટીમો ત્રણ ટી-20 મેચોની શ્રેણીમાં આમને-સામને ટકરાશે. દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ 9 જુલાઈના રોજ સમાપ્ત થશે ત્યારબાદ હરમનપ્રીત બ્રિગેડ મહિલા એશિયા કપ પર ધ્યાન કેન્દ્રિત કરશે.