અમદાવાદમાં રસ્તા વચ્ચે લોકોને રોકી લૂંટ કરતી નકલી પોલીસ ઝડપાઇ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં નકલી પોલીસ બનીને લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં નકલી પોલીસ બનીને આ બે લોકો વાહન ચાલકોને ટાર્ગેટ કરતા હતા. બંને આરોપી અગાઉ અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં ફરી એક વખત નકલી પોલીસનો ત્રાસ વધ્યો છે. પોલીસ કસ્ટડીમાં આવી ગયેલા મોહમ્મદ રફીક અને ઇમરાન ખાન પઠાણ નકલી પોલીસ બની જગતપુર વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો જગતપુરમાં રાજ કુમાર ખેતાણી નોકરીથી ઘરે પરત જઈ રહેલા યુવકને આ બંને નકલી પોલીસે ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ નકલી પોલીસે યુવકને કહ્યું કે દેહવ્યાપારની પ્રકિયામાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ કરી ખોટા કેસમા ફીટ કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ સમાધાન માટે પૈસાની માગણી કરી હતી. નકલી પોલીસથી ડરી ગયેલા રાજ કુમારે બદનામીથી બચવા માટે પૈસા આપવાનું કહ્યું અને ATM સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયો હતો, નકલી પોલીસના વર્તનથી યુવકને શંકા જતા આઇકર્ડ માંગ્યું હતું. જે બાદ આરોપીઓ યુવકને ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા નકલી પોલીસની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં નકલી માર્કશીટનું કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ
પકડાયેલ આરોપી મોહમ્મદ રફીક અને ઇમરાન ખાન રિક્ષા ચાલક હોવાનું ખુલ્યું છે. પણ પૈસાની લાલચમાં નકલી પોલીસ બનતા હોવાનું સામે આવ્યું છે. આ બન્ને આરોપી વટવાના રહેવાસી છે અને નકલી પોલીસ બની અલગ-અલગ વિસ્તારમાં રાત્રિના સમયે એકલ દોકલને ડરાવી ધમકાવીને પોલીસની ઓળખ આપી લૂંટી લેતા હતા. આવી જ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાની ચાંદખેડા પોલીસને આશંકા છે જેને લઇ બન્ને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પાસેથી એક છરો મળી આવ્યો છે જેને લઈ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ છરો રાખવાની માનસિકતા જોતા તેઓ વિરુદ્ધ બીજા ગુના હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. હાલ બંને નકલી પોલીસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.