ગુજરાત-રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો! 4 બાળકોના મોત, 2 સારવાર હેઠળ
Chandipura Vesiculovirus: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, વાયરસથી પીડિત બંને બાળકો હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધિકારીએ કહ્યું કે ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વેક્ટરો દ્વારા ફેલાય છે. આ પેથોજેનિક વાયરસ રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે.
આ અંગે માહિતી આપતાં સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે તમામ છ બાળકોના લોહીના નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ 10 જુલાઈએ ત્યાં ચાર બાળકોના મૃત્યુ બાદ ચાંદીપુરા વાયરસ અંગે શંકા વ્યક્ત કરી હતી. જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા.
સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાની સંખ્યા ચાર બાળકો છે, તેમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને બે પડોશી અરવલ્લી જિલ્લાનો હતો, જ્યારે ચોથો બાળક રાજસ્થાનનો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બે બાળકો પણ રાજસ્થાનના છે.
સુતરિયાએ જણાવ્યું હતું કે રાજસ્થાનના સત્તાવાળાઓને શંકાસ્પદ વાઇરલ ઇન્ફેક્શનના કારણે બાળકના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમે ચાર મૃત્યુ પામેલા બાળકો સહિત તમામ છ બાળકોના બ્લડ સેમ્પલ પુણેના NIVમાં મોકલ્યા છે.’ જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેપને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં મચ્છર અને માખીઓને મારવા માટે ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે.
જાણો શું છે ચાંદીપુરા વાયરસ?
ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો આવી જાય છે અને સંક્રમિત દર્દીનું મોત થાય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે. .બે દિવસમાં ચાર બાળકોના મોત થતા અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.