ઝીલિયા આશ્રમમાં નોકરી રાખવા બાબતે કરી તોડફોડ, ચાણસ્મા પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા

ભાવેશ ભોજક, પાટણ: ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગાંધી આશ્રમમાં નોકરી કરતા કલાર્કે ગામના ૩ શખ્સોને સાથે રાખી તેના ભત્રીજાને નોકરીએ કેમ રાખતા નથી તેમ કહી ઉશ્કેરાઇ સમાજ સેવક માલજીભાઈ અને તેમના પુત્ર ઉપર હિચકારો હુમલો કરતા બંને બીકના માર્યા સંસ્થાની ઓફિસની અંદર દરવાજો બંધ કરી પોલીસને જાણ કરી હતી. હોબાળો મચતાં લોકો દોડી આવતા ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ તેઓની પૂછપરછ કરી છે.
ઝીલિયા ગાંધી આશ્રમમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ગામના જ કનુભાઈ ધરમશીભાઈ દેસાઈ તેમના ભત્રીજાને આ સંસ્થામાં નોકરીએ લેવા બાબતે બે વર્ષ અગાઉ સંસ્થાના વ્યવસ્થાપક લાલાભાઈ માલજીભાઈ દેસાઈને વાત કરી હતી. ત્યારે સંસ્થાના સંચાલકે તેઓને જાહેરાત પડે એટલે અરજી કરજો મેરીટમાં આવશે તો નોકરી મળશે તે વાત કરી હતી. તે વખતે ઉશ્કેરાઇ ઝીલિયાના ગામધણી છીએ અને અમારા ગામમાં સંસ્થા હોય તો અમારે શેના ફોર્મ ભરવાના હોય તેમ દાદાગીરી કરીને ઝઘડો કર્યો હતો. આ બાબતે 6 મહિના અગાઉ કનુભાઈ દેસાઈએ કોલેજના આચાર્ય મુકેશભાઈ સાથે પણ ઓફિસમાં જઈ માથાકૂટ કરેલી હતી. જેનું મન દુઃખ રાખી બુધવારે સવારે ત્રણે ભાઈઓ સાથે આવી સંસ્થાના ગેટની અંદર પશુઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ લાલજીભાઈ દેસાઈ સાથે માથાકૂટ કરતા તેઓ અને તેમના પિતા માલજીભાઈ બંને ઓફિસની અંદર દરવાજો બંધ કરી અંદર પુરાઈ ગયા હતા.
ત્યારે બહાર સીસીટીવી ફૂટેજ તોડી નાખી તેમજ તે સમયે આ માથાકૂટ કરતા વિડીયો ઉતારી રહેલા સંસ્થાના ડો.ભાનુપ્રસાદ રાવલને વિડીયો ઉતરતા રોકી મારામારી કરી હતી. આ અંગે લાલાભાઇ માલજીભાઈ દેસાઈએ ચાણસ્મા પોલીસ મથકે કનુભાઈ ધરમશીભાઈ દેસાઈ (કર્મચારી ઝીલિયા આશ્રમ), પ્રવીણ ધરમશીભાઈ દેસાઈ, દશરથ ધરમશીભાઈ દેસાઈ સામે મારામારી સંસ્થામાં તોડફોડ સહિતની ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે ત્રણેય આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.