‘મારી ગેમ હું સારી રીતે સમજું છું’ વિરાટ કોહલીનો સણસણતો જવાબ

IND vs PAK Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં વિરાટ કોહલીએ તેના ODI કારકિર્દીની 51મી સદી અને પાકિસ્તાન સામે ચોથી સદી ફટકારી છે. કોહલીની આ સદી એ લોકો માટે જવાબ છે, જેઓ તેના ફોર્મ પર સવાલ ઉઠાવી રહ્યા હતા.
મેચ પછી કોહલીએ કહ્યુ કે, ‘ઇમાનદારીથી કહુ તો, ક્વોલિફિકેશન સુધી પહોંચવા માટે એક ખાસ ખેલમાં આ રીતે બેટિંગ કરવી સારી લાગે છે. એક એવી રમતમાં યોગદાન આપવું સારું લાગે છે, જેમાં રોહિતને આપણે બહુ જલદી ગુમાવી ચૂક્યા હોય, ગઈ મેચમાં જે શીખ્યું હતું તે સમજવાની જરૂર હતી. મારું કામ સ્પિનરો સામે વચ્ચેની કેટલીક ઓવરોમાં જોખમ લીધા વગર કંટ્રોલ કરવાનું હતું, મને મારી ગેમની સારી સમજ છે. આ બહારના શોરબકોરને દૂર રાખવા, પોતાની જગ્યાએ રહેવા અને પોતાના લેવલ અને વિચારોનો ખ્યાલ રાખવા માટે છે. આશાઓમાં વહી જવું બહુ સરળ છે.’
વિરાટે આ મેચમાં 14 હજાર ODI રન પણ પૂરા કર્યા છે. સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી આ ફોર્મેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર કોહલીએ 14000 ODI રનનો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. કોહલીએ હરિસ રૌફના બોલને મિડ-ઓફની ડાબી બાજુએ ચાર રન માટે ફટકો માર્યો હતો અને વનડેમાં 14,000 રન પૂરા કર્યા હતા.