ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, પાડોશી દેશને સેમિફાઇનલમાંથી બહાર હાંક્યો

દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ચાલી રહી છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ભારતે 6 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી છે.
ભારતે પાકિસ્તાનને હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. રોહિત બ્રિગેડે દુબઈમાં રમાયેલી બીજી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ સતત બીજી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાની જીતમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે વનડે કારકિર્દીની 51મી સદી ફટકારી છે.
શ્રેયસ ઐયરે કોહલીને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. બંનેએ પાકિસ્તાની બોલરોને હંફાવ્યા હતા. ઓપનર શુભમન ગિલે પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ બોલિંગમાં ધમાલ મચાવી દીધી હતી. ભારત 4 પોઈન્ટ સાથે તેના ગ્રુપમાં ટોચ પર છે. આ પાકિસ્તાનનો સતત બીજો પરાજય છે. રિઝવાન અને કંપની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લગભગ બહાર થઈ ગયા છે. ભારત 2 માર્ચે છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 242 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે 42.3 ઓવરમાં 4 વિકેટે 244 રન બનાવી લીધા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ અણનમ 100 રન બનાવ્યા હતા. કોહલીએ 111 બોલમાં સાત ચોગ્ગા ફટકાર્યા. શ્રેયસ ઐયર 67 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની અડધી સદીની ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ઓપનર શુભમન ગિલ 52 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 15 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 8 રન બનાવીને હાથ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 2 વિકેટ લીધી, જ્યારે અબરાર અહેમદ અને ખુશદિલ શાહે એક-એક વિકેટ લીધી.