ઓપનર તરીકે સૌથી ઝડપી 9000 વનડે રન પૂરા કરનારો બેટ્સમેન બન્યો રોહિત, સચિનનો રેકોર્ડ તોડ્યો

IND vs PAK Champions Trophy 2025: દુબઈમાં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત ઓપનર તરીકે વનડેમાં 9000 રન પૂરા કરનારો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. રોહિતે પાકિસ્તાન સામે પહેલો રન બનાવતાંની સાથે જ આ સિદ્ધિ મેળવી લીધી હતી. રોહિત આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ઓપનર છે.
રોહિત આ યાદીમાં જોડાનારો છઠ્ઠો ઓપનર
તેમના પહેલા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર (15310 રન), શ્રીલંકાના સનથ જયસૂર્યા (12740), વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ (10179), ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ (9200) અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (9146) આ યાદીમાં સામેલ છે. રોહિતે આ સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં તે આ મેચમાં વધારે રન બનાવી શક્યો નહીં. ભારતને પાંચમી ઓવરમાં 31 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. શાહીન આફ્રિદીએ ફરી એકવાર રોહિતને ફુલ લેન્થ બોલથી ક્લિન બોલ્ડ કર્યો છે. આ એ જ બોલ હતો જેના પર રોહિતને 2021ના T20 વર્લ્ડ કપમાં શાહીન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો.
સચિનને પાછળ છોડીને રોહિતે સૌથી ઝડપી ગતિએ ઓપનર તરીકે 9000 રન બનાવવાનો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. આ સ્થાન પર રમતી વખતે તેણે ફક્ત 181 ઇનિંગ્સમાં આવું કર્યું છે. આ બાબતમાં રોહિતે ભૂતપૂર્વ દેશબંધુ બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે, જેમણે અગાઉ ઓપનર તરીકે સૌથી ઝડપી 9000 ODI રનનો રેકોર્ડ બનાવ્યો હતો. સચિને 197 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં રોહિતે 11000 ODI રન પૂરા કર્યા હતા. રોહિતે 261 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તે વનડેમાં સૌથી ઝડપી 11000 રન પૂરા કરનાર બીજો બેટ્સમેન હતો. તેમનાથી આગળ વિરાટ કોહલી છે જેણે 222 ઇનિંગ્સમાં આ કર્યું છે.
વર્ષ 2023માં રોહિતે એશિયા કપ દરમિયાન શ્રીલંકા સામેની મેચમાં ઓપનર તરીકે 8000 રન અને ODIમાં 10000 રન પૂરા કર્યા છે. રોહિત ઓપનર તરીકે 8000 રન પૂરા કરનારો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. આ મામલે તેણે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન હાશિમ અમલાને પાછળ છોડી દીધો હતો. રોહિતે આ સિદ્ધિ મેળવવા માટે 160 ઇનિંગ્સનો સમય લીધો હતો, જ્યારે અમલાએ 176 વનડે ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
બધા ફોર્મેટને જોડીને રોહિતે ઓપનર તરીકે 15000થી વધુ રન બનાવ્યા છે. રોહિત આવું કરનારો સાતમો બેટ્સમેન છે. રોહિતે ઓપનર તરીકે તમામ ફોર્મેટમાં 44 સદી ફટકારી છે અને આ સંદર્ભમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ઓપનર ડેવિડ વોર્નર અને સચિન તેંડુલકર તેનાથી આગળ છે. ઓપનર તરીકે વોર્નરે તમામ ફોર્મેટમાં 49 સદી ફટકારી છે, જ્યારે સચિને 45 સદી ફટકારી છે.