આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, પાવાગઢમાં ભક્તોના ધસારાને લઈને તૈયારીઓને આખરી ઓપ

દશરથસિંહ પરમાર, પંચમહાલઃ શક્તિ ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી આવતી કાલથી શરૂ થઈ રહી છે. ત્યારે નવરાત્રીના પાવન દિવસોમાં શક્તિપીઠ પર બિરાજમાન મા શક્તિના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. પંચમહાલ જિલ્લામાં પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે મા મહાકાળી બિરાજમાન છે. ત્યારે નવરાત્રીમાં લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોનાં ઘસારાને પહોંચી વળવા અને ભક્તોને કોઈ પણ તકલીફ વિના સરળ રીતે મા મહાકાળીના દર્શન થઈ શકે તેમજ વિવિધ સુવિધાઓ મળી રહે તેવા હેતુથી પંચમહાલ વહીવટી તંત્ર અને મંદીર પ્રસાસન દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.
પાવાગઢ ખાતે નવરાત્રીના નવે દિવસ ગુજરાત સહિત આસપાસના પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પણ લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પાવાગઢ તળેટીથી ઉપર તરફ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સાથે જ પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી સુધી 50 જેટલી એસટી બસો સતત દોડાવવામાં આવશે. તો બીજી તરફ ભક્તોને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે માટે પણ જિલ્લા પ્રસાસન દ્વારા વિષેશ વ્યવસ્થા કરવામાં આવી છે. નવ દિવસ પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત પાવાગઢ ખાતે રહેશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી નવરાત્રી દરમિયાન આવનારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રાથમિક સુવિધાની સાથે સાથે મંદિર પટાંગણમાં દર્શન માટેની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ સહિતની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આ સાથે જ આવતીકાલથી પાવાગઢ દુધિયા તળાવ ખાતે વિશાળ અન્નક્ષેત્ર પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. જ્યાં મોટી સંખ્યામાં દરરોજ ભક્તો પ્રસાદીનો લાભ લઈ શકશે.
નવરાત્રી આવતીકાલથી શરૂ થઈ રહી છે પરંતુ ભક્તોમાં આજથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દૂર દૂરથી મા મહાકાળીના દર્શનાર્થે આવેલા ભક્તો પાવાગઢ ખાતેની વ્યવસ્થાઓ અને સ્વચ્છતા જોઈ ભારે પ્રભાવિત થયા હતાં. ભક્તોને પાવાગઢ ખાતે આહ્લાદક વાતાવરણમાં મા મહાકાળીના દર્શન કરી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.