November 22, 2024

મધ્ય ગુજરાતમાં મેઘમહેર, અમદાવાદ-ખેડામાં વરસાદી માહોલ

અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ માઝા મૂકી છે. ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે.

ખેડાના કપડવંજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા છે. એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પટેલ વાડા, મીના બજાર, કાછીયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે.

અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે. લાંબા વિરામબાદ વરસાદ પડતા શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને અમદાવાદવાસીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.

ખેડાના રૂપજીના મુવાડા સહિતના આસપાસના ગામડાંઓના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં વાવેલા મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાયા છે. 20થી 25 વીઘા મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદને લઈને મગફળીના પાકમાં પાણી ભરાયા છે. હજુ વધારે વરસાદ પડે તો મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે.

તો બીજી તરફ, ખેડાના ઠાસરા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઠાસરના પોરડા ગામમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા છે. અજુપુરા, લાભપુરા, હરીપુરા, દેવનગર ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. ઓરડાથી અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરવાને પગલે પોરડા ગામના 40 જેટલા મકાનો સંપર્કવિહોણા થયા છે.

છોટા ઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર આવતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે. ચલામલી પાસેથી પસાર થતી હેરણ નદી પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. નદીના પાણીને લઈને રાજવાસણા ખાતેનો આડબંધ ઓવરફ્લો થયો છે. આ આડબંધ ગાયકવાડના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. રાજવાસણા આડબંધ ઓવરફ્લો થતા આહ્લાદક દૃશ્યો સર્જાયા છે.