December 12, 2024

CM ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષની ઉજવણી

CM Bhupendra Patel: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસર પર સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળના ગુજરાત નોલેજ સોસાયટી અને i-Hub દ્વારા KCG કેમ્પસ ખાતે ‘સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઈનોવેટર્સ’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ ઈવેન્ટનો હેતુ મહિલા ઉદ્યોગસાહસિકોને યોગ્ય મંચ પૂરું પાડીને ગુજરાતના સ્ટાર્ટઅપ ક્ષેત્રે તેઓના અમૂલ્ય યોગદાનની ઉજવણી કરવાનો તથા વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાનો છે. મહિલા સ્ટાર્ટઅપ્સની નવીનતા અને સક્ષમતાને ઉજાગર કરતું આ પ્રદર્શન ક્લીન ટેક્નોલોજી, એગ્રીટેક, હેલ્થકેર અને ડીપ ટેક્નોલોજી સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને પ્રદર્શિત કરશે.

ઉલ્લેખનીય છે કે, WEStart અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) જેવી પહેલોના અમલીકરણ દ્વારા રાજ્યએ મેળવેલી સિદ્ધિઓના કારણે કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવતા સ્ટેટ સ્ટાર્ટઅપ રેંકિંગમાં ગુજરાત રાજ્યને સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે છેલ્લાં ચાર વર્ષોથી શ્રેષ્ઠ કાર્ય કરતા રાજ્ય(બેસ્ટ પર્ફોર્મર)નો દરજ્જો પ્રાપ્ત થયો છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી – SSIP 2.0 હેઠળ 129 અને અત્યાર સુધીમાં i-Hub ખાતે સહાય મેળવેલ સ્ટાર્ટઅપ પૈકી આશરે 196, આમ કુલ 325 સ્ટાર્ટઅપમાં મહિલા ફાઉન્ડર દ્વારા કરવામાં આવેલ ઇનોવેશનને સહાય મળી છે. આમ SSIP મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા સાથે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહિલાઓનું યોગદાન અને સશક્ત ભાગીદારીનો પુરાવો આપે છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ, વિકાસ અને સિદ્ધિઓની સફર…

આ ઇવેન્ટ ગુજરાત રાજ્યની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા દૃઢતા અને નવીનતા થકી હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ તેઓને બિરદાવવા માટેની ઉજવણી બની રહેશે. વધુમાં, આ ઇવેન્ટમાં સ્ટાર્ટઅપ સૃજન પહેલ હેઠળ ભંડોળની ફાળવણી પણ કરવામાં આવશે. આ યોજના હેઠળ 132 ઉદ્યોગસાહસિકો અને નવીનતાઓ માટે કુલ રૂ. 9.51 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પૈકી કુલ રૂ. 2.45 કરોડનું ભંડોળ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ માટે ફાળવવામાં આવ્યું છે. આ પ્રકારની પહેલ મહિલાઓની ઉદ્યોગસાહસિક ક્ષમતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની સરકારની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ ઉપરાંત, આ કાર્યક્રમ દરમ્યાન મહિલા સ્ટાર્ટઅપ્સને i-Hub ખાતે કો-વર્કિંગ સ્પેસ માટે ફાળવણી-પત્રો પ્રદાન કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી મહિલા ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ પણ કરશે. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવમતી સુનયના તોમર (IAS) પણ ઉપસ્થિત રહેશે. રાજ્યના ઇનોવેશન લેન્ડસ્કેપને નીતિઓ અને કાર્યક્રમો દ્વારા મજબૂત બનાવવામાં આવી રહી છે, જે થકી મહિલા સાહસિકો સામે આગામી સમયમાં આવનાર પડકારોને જાણીને તેમને યોગ્ય તકો પૂરી પાડે છે અને આ પ્રકારના ઇનોવેટર્સને સશક્ત બનાવે છે. આ કાર્યક્રમ ગુજરાતની સર્વસમાવેશક તથા નવીનતા આધારિત અર્થવ્યવસ્થાના નિર્માણ થકી સરકારની સેવા, સંકલ્પ અને સમર્પણ તરફની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે.