પહલગામ હુમલા મામલે PM નિવાસસ્થાને CCSની બેઠક શરૂ, મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા

Pahalgam Terror Attack Live Updates: મંગળવારે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. PM નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને દિલ્હી પરત ફર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારોને મળ્યા હતા. હુમલાખોરોની શોધખોળ તેજ કરવામાં આવી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. સેનાની વિક્ટર ફોર્સ સાથે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સૈનિકો હુમલો કરનારા આતંકવાદીઓને શોધી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ સંબંધિત દરેક અપડેટ માટે આ પેજ પર રહો.

PM નિવાસસ્થાને CCSની બેઠક શરૂ થઈ
પહલગામ આતંકવાદી હુમલાના પગલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને સીસીએસની બેઠક શરૂ થઈ ગઈ છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CCS બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે.

એકનાથ શિંદે મુંબઈથી શ્રીનગર જવા રવાના થયા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મુંબઈથી શ્રીનગર જવા રવાના થઈ ગયા છે. તેઓ જમ્મુ અને કાશ્મીર ગયા છે જેથી ત્યાં ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. સરકારી રાહત કાર્યને ઝડપી બનાવવા માટે તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.