December 19, 2024

CBSEના ધોરણ 12નું પરિણામ જાહેર, કુલ 87.98 ટકા પરિણામ

અમદાવાદઃ ગુજરાતમાં CBSEનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSEની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવ્યું છે. ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12નું CBSEની પરીક્ષાનું કુલ પરિણામ 87.98% આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીથી 13મી માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. જેમાં દેશના 35 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

છોકરીઓનું રિઝલ્ટ – 91.52 ટકા
છોકરાનું રિઝલ્ટ – 85.12 ટકા
ટ્રાન્સજેન્ડરનું રિઝલ્ટ – 50 ટકા

તાજેતરમાં GSEB બોર્ડનું ધોરણ-10નું રિઝલ્ટ જાહેર
રાજ્યમાં ગુજરાત બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યનું કુલ પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે રિપિટર્સનું પરિણામ 49.06 ટકા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ઉપસ્થિત નિયમિત પરીક્ષાર્થીઓની સંખ્યા 6.99 લાખ છે. જેમાંથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત પરીક્ષાર્થીઓની સંખ્યા 5.77 લાખ છે. જેમાં નિયમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી 82.56% આવી છે. આ ઉપરાંત ઉપસ્થિત પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 1.60 લાખ હતી. માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 78715 હતી. જેમના પરિણામની ટકાવારી 49.06% આવી છે.

આ સિવાય ઉપસ્થિત ખાનગી પરીક્ષાર્થીઓની સંખ્યા 16261 હતી. તેમાંથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર ખાનગી પરીક્ષાર્થીઓની સંખ્યા 4981 છે. ખાનગી પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી 30.63% આવી છે. સૌથી વધુ પરિણામ દાલોદ, તલગાજરડા કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ભાવનગર કેન્દ્રનું આવ્યું છે. જિલ્લા પ્રમાણે જોવા જઈએ તો, સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું આવ્યું છે. રાજ્યની 1389 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે 70 જેટલી શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 264 છે.