2 વોન્ટેડ ભાગેડુ સુહૈલ બશીર અને તોફિક નઝીર ખાનને Interpol દ્વારા UAEથી પાછા લાવવામાં આવ્યા

CBI: સીબીઆઈએ ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએઈથી બે ભાગેડુ સુહૈલ બશીર અને તોફિક નઝીર ખાનને પાછા લાવવામાં આવ્યા. આ બંને ભાગેડુઓ કેરળ પોલીસ અને ગુજરાત પોલીસના વોન્ટેડ હતા. સીબીઆઈના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (IPCU) એ NCB-અબુ ધાબી અને કેરળ પોલીસના સહયોગથી 2 એપ્રિલ 2025ના રોજ રેડ નોટિસ વોન્ટેડ ગુનેગાર સુહૈલ બશીરને ભારત લાવવામાં સફળતા મેળવી. કેરળ પોલીસની એસ્કોર્ટ ટીમ તેને UAEથી લાવીને કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. સીબીઆઈએ ઇન્ટરપોલ દ્વારા દેખરેખ રાખી અને યુએઈમાં આરોપીના ઠેકાણાની ઓળખ કરી અને આગળની કાર્યવાહી કરી હતી.
કેરળના એર્નાકુલમ ગ્રામીણ જિલ્લાના મુવત્તુપુઝા પોલીસ સ્ટેશનમાં સુહૈલ બશીર પર એક સગીર છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાયા બાદથી તે ફરાર હતો. કેરળ પોલીસની વિનંતી પર, સીબીઆઈએ 02.12.2024 ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ કેસમાં રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.
બીજા એક કેસમાં સીબીઆઈના આઈપીસીયુ યુનિટે NCB-આબુ ધાબી સાથે મળીને ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ રેડ કોર્નર આરોપી તોફિક નઝીર ખાનને ભારત પરત લાવવામાં સફળતા મેળવી. મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપી બનાવટી અને છેતરપિંડીના કાવતરાના આરોપસર વોન્ટેડ હતો. તોફિક નઝીર ખાનને 02.04.2025ના રોજ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને ગુજરાત પોલીસ ટીમને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ ગુજરાત પોલીસની વિનંતી પર 25.02.2025ના રોજ રેડ નોટિસ જારી કરી હતી.
ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલ રેડ નોટિસ વોન્ટેડ ગુનેગારોને શોધવા માટે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવે છે. ભારતમાં ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) તરીકે, CBI, BHARATPOL દ્વારા ઇન્ટરપોલ ચેનલો દ્વારા ભારતમાં તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને 100 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.