November 15, 2024

નીટ પેપર લીક મામલે CBIએ કરી ‘કિંગપીન’ સહિત 2 વિદ્યાર્થીઓની ધરપકડ

NEET UG Paper Leak: NEET-UG પેપર લીક કેસમાં CBI સતત એક્શન મોડમાં કામ કરી રહી છે. આ કડીમાં તપાસ એજન્સીએ આ કેસમાં વધુ ત્રણ શખ્સની ધરપકડ કરી છે, જેમાં પેપર લીક ગેંગના કિંગપિન શશિકાંત પાસવાનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ગેંગ સાથે સંકળાયેલા બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરવામાં આવેલ વિદ્યાર્થીઓ ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. શશિકાંત નામનો કિંગપીન પંકજ અને રાજુનો સાથી છે જેમની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ લોકો 5મી મેના રોજ સવારે હજારીબાગમાં પેપર સોલ્વ કરવા માટે હાજર હતા. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં અને બીજો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમની ઓળખ કુમાર મંગલમ અને દીપેન્દ્ર શર્મા તરીકે થઈ છે.

19 જુલાઇના રોજ RIMSના એક વિદ્યાર્થિની પણ કરાઇ હતી ધરપકડ
અગાઉ, 19 જુલાઈના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NEET-UG પેપર લીક કેસમાં ઝારખંડના રાંચીમાંથી MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. 2023 બેચની વિદ્યાર્થીનીની ઓળખ રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)ની સુરભી કુમારી તરીકે થઈ છે અને તે રામગઢ જિલ્લાની રહેવાસી છે. આ વિદ્યાર્થીની પણ 5મી મેના રોજ હજારીબાગમાં પેપર સોલ્વ કરવા માટે હાજર રહેવાની હોવાનો આરોપ છે.