December 19, 2024

અમદાવાદના રામોલમાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો

મિહિર સોની, અમદાવાદ: દીકરી અને પિતાના સંબંધને શર્મસાર કરતો કિસ્સો અમદાવારના રામોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પિતાએ તેની સગીર દીકરી સાથે શારીરિક અડપલા કર્યા છે. જે ઘટના અંગે સગીરાની ફઈને જાણ થતા પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના રામોલ વિસ્તારમાં પિતા પોતાની બંને સગીર બાળકીઓ સાથે બે બહેન અને બનેવી સાથે રહે છે. સગીરની માતાનું 11 વર્ષ પહેલા નિધન થઈ ગયું છે. એ બંન્ને બાળકીઓમાં મોટી બાળકી હાલ 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે નાની બાળકીની ઉંમર 11 વર્ષની છે. સવારે બંન્ને બહેન અને બનેવી મજૂરી કામે ગયા હતા. બીજી તરફ મોટી બાળકી અને ભત્રીજો વેકેશન હોવાથી સંબંધિઓના ઘરે ગયા હતા. એ સમયે ઘરે માત્ર નાની બાળકી હતી. જ્યાં નરાધમ પિતા નશાની હાલતમાં ચડી આવ્યો હતો. પિતાએ નાની બાળકી સાથે શારીરિક અડપલા કરી કુકર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ સમયે બાળકીએ બુમાબુમ કરતા નરાધમ પિતા ઘરની બહાર ભાગી ગયો હતો.

આ પણ વાંચો: સાવલીમાં ફરીવાર વિવાદ, ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવ્યો

જોકે આ સમગ્ર ઘટનાની જાણ સગીરાની ફોઈ ઘરે આવતા તેણે ઘટનાની જાણ કરી હતી. જે બાદ ઘરના અન્ય સભ્યોને જાણ થતાં આ મામલે સગીરાના ફોઈએ ભાઈ વિરુદ્ધ છેડતી અંગેની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાવી હતી. જે ઘટનાને લઈને રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપી નશાની ટેવ ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહત્વનું છેકે, પકડાયેલ આરોપી છૂટક મજૂરી કરે છે. ત્યારે નરાધમ પિતા અગાઉ પણ પોતાની દીકરી સાથે આવુ કોઈ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે પુછપરછ હાથ ધરી છે.