November 25, 2024

કેનેડાનું નવું ષડયંત્ર! જસ્ટિન ટ્રુડોએ ‘દુશ્મન દેશ’ની યાદીમાં સામેલ કર્યું ભારતનું નામ

Canada: કેનેડાની ફરી એક નાપાક હરકત સામે આવી છે. પહેલીવાર વખત જસ્ટિસ ટ્રુડોની સરકારે સાયબર ખતરો પેદા કરતા દેશોની યાદીમાં ભારતનું નામ સામેલ કર્યું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાની સરકારે આ પગલું ઉઠાવ્યું છે. એક રીતે કેનેડાની સરકારે એવો સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે કે ઓટ્ટાવા સામે ભારત દ્વારા જાસૂસીની શક્યતા છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, કેનેડાના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-2026 (NCTA 2025-2026) રિપોર્ટમાં ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા પછી ભારતનું નામ પાંચમા સ્થાને આવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે અમારું મૂલ્યાંકન એ છે કે ભારત સરકાર જાસૂસીના હેતુથી કેનેડા સરકારના નેટવર્ક સામે સાયબર ધમકી પ્રવૃત્તિઓ હાથ ધરે તેવી શક્યતા છે.

ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ હતો
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા મહિના પહેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે તેમની સરકાર પાસે મજબૂત પુરાવા છે કે જૂન 2023માં બ્રિટિશ કોલંબિયામાં કેનેડિયન શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હતી. તેમજ તેમના એજન્ટો સામેલ હતા. જોકે, ભારતે કેનેડાના આરોપને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યો હતો. કેનેડાના આરોપો બાદ બંને દેશોના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.

અગાઉના અહેવાલમાં ભારતનું નામ ન હતું
કેનેડિયન સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી (સાયબર સેન્ટર) દ્વારા 30 ઓક્ટોબરના રોજ આ સાયબર ધમકી રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જે સાયબર સિક્યુરિટી પર કેનેડાની ટેકનિકલ ઓથોરિટી છે અને કોમ્યુનિકેશન સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ કેનેડા (CSE) નો ભાગ છે. અગાઉ, જ્યારે આ રિપોર્ટ 2018, 2020 અને 2023-24માં બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારે તેમાં ભારતનો કોઈ ઉલ્લેખ નહોતો. હવે 2025-26 માટે બહાર પાડવામાં આવેલા મૂલ્યાંકન અહેવાલમાં ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 10 દિવસમાં રાજીનામું આપો નહીંતર… CM યોગીને જાનથી મારી નાખવાની ધમકી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું નેતૃત્વ ઘરેલું સાયબર ક્ષમતાઓ સાથે આધુનિક સાયબર પ્રોગ્રામ બનાવવાની ઈચ્છા ધરાવે છે. કેનેડાએ કહ્યું કે ભારત તેનો ઉપયોગ તેના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને આગળ વધારવા માટે કરે છે. આમાં જાસૂસી આતંકવાદનો સામનો કરવો અને ભારતનો વૈશ્વિક દરજ્જો વધારવાનો પ્રયાસ સામેલ છે.