January 7, 2025

ભારત વિરોધી વલણ અપનાવનાર ટ્રુડોની વધી મુશ્કેલીઓ, આપી શકે છે રાજીનામું

Canada: ભારત સાથે દુશ્મની કરનાર જસ્ટિન ટ્રુડોની ખુરશી હવે સંપૂર્ણ જોખમમાં છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપે એવા અહેવાલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રુડો એક-બે દિવસમાં તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. તેઓ લિબરલ પાર્ટીના નેતાનું પદ પણ છોડવા જઈ રહ્યા છે. ગ્લોબ એન્ડ મેલે સુત્રો અનુસાર આ અંગે સમાચાર પ્રકાશિત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એવું અનુમાન છે કે તે રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ બેઠક પહેલા થઈ શકે છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હજુ એ સ્પષ્ટ નથી કે ટ્રુડો તરત જ પોતાનું પદ છોડી દેશે અથવા નવા નેતાની પસંદગી થાય ત્યાં સુધી રાહ જોશે. જસ્ટિન ટ્રુડોએ 2013માં લિબરલ નેતા તરીકેની જવાબદારી સંભાળી હતી. તે સમયે પાર્ટી ભારે મુશ્કેલીમાં હતી અને હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ વખત ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.

આ પણ વાંચો: વલસાડની ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો

આ સમયે પણ લિબરલ પાર્ટી ખૂબ જ મુશ્કેલ તબક્કામાં છે. પોલ્સ દર્શાવે છે કે ઓક્ટોબરના અંતમાં યોજાનારી ચૂંટણીમાં લિબરલ પાર્ટી કન્ઝર્વેટિવ્સ સામે ખરાબ રીતે હારી જશે. ટ્રુડો ઓફિસ છોડ્યા પછી, પાર્ટી કાયમી વડા વિના રહેશે. ટ્રુડોના રાજીનામા બાદ તાત્કાલિક ચૂંટણી કરાવવાની માંગણી થવાની સંભાવના છે.